કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૩. હંકારી જા
Revision as of 09:02, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. હંકારી જા| સુન્દરમ્}} <poem> ::મારી બંસીમાં બોલ બે વગાડી તું જ...")
૧૩. હંકારી જા
સુન્દરમ્
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા. મારીo
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી
જનમભૂખીને જમાડી તું જા. મારીo
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારીo
(વસુધા, પૃ. ૯)