કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૯. તે રમ્ય રાત્રે

Revision as of 09:12, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. તે રમ્ય રાત્રે| સુન્દરમ્}} <poem> તે રમ્ય રાત્રે ને રાત્રિથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯. તે રમ્ય રાત્રે

સુન્દરમ્

તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.

ક્યાં સ્પર્શવી?
ક્યાં ચૂમવી? નિર્ણય ના થઈ શક્યો.
ને આવડી ઉત્તમ કામ્ય કાયા
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.

ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : `નથી રે જવાનું.’

હલી શક્યો કે ન ચલી શક્યો હું,
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા.
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.

ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે —
તે રમ્ય રાત્રે,
રમણીય ગાત્રે!

(વસુધા, પૃ. ૪૭-૪૮)