કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૩. છાતીએ છૂંદણાં

From Ekatra Wiki
Revision as of 09:22, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
૨૩. છાતીએ છૂંદણાં

સુન્દરમ્

છાતીએ છૂંટણાં છૂંદાવા બેઠી
ભરબજારની વચ્ચે, હો!
હૈયું ખોલી છૂંદાવવા બેઠી
ભરબજારની વચ્ચે, હો!

કૌતુક આયે કારમું લોકો
તાકી તાકી ભાળે, હો!
આંખ માંડી, આંખ મારી લોકો
તાકી તાકી ભાળે, હો!

‘વાહ રે ખરી, શોખની રાણી!’
ભાતભાતીનું બોલે, હો!
“છાતીએ છાપ છપા’વા બેઠી!”
ભાતભાતીનું બોલે, હો!

માથડે લાંબો ઘૂંઘટો ખેંચી
છૂંદણાં જાય છૂંદાવ્યે, હો!
છેડલો ખોલી છાતી પરનો
છૂંદણાં જાય છૂંદાવ્યે, હો!

આંખો ફાડી તાકતી દુનિયા,
નજરે એની ના’વે, હો!
ટોળટપ્પાં ને કાંકરા લોકના,
નજરે એની ના’વે, હો!

દૂરના મહોલ્લા માંહ્યલું ખોરડું
આંખમાં એની રમે, હો!
ખોરડા માંહ્યલો સાયબો શોખી
આંખમાં એની રમે, હો!

લોકને મૂકી લ્હેકા કરતા,
ઝટ ઊઠી એ ચાલી, હો!
છાતીએ છાપી મોર ને કોયલ
ઝટ ઊઠી એ ચાલી, હો!

ફાગળ ફૂલ્યો ફૂલ કેસૂડે,
v પૂનમ-ચાંદની ખીલી, હો!
રંગ ગુલાબે રંગાઈ રૂડી
પૂનમ-ચાંદની ખીલી, હો!

ચાંદની લીંપ્યે ચોક જુવાનડાં
ઘૂઘરા બાંધી ઘૂમે, હો!
હાથમાં ઠાગા, રંગના વાઘા,
ઘૂઘરા બાંધી ઘૂમે, હો!

નાનકડો એક ઢોલિયો ઢળ્યો,
ચોકને ખુલ્લે ખૂણે, હો!
ઢોલિયે ઢળ્યાં નર ને નારી
ચોકને ખુલ્લે ખૂણે, હો!

સાયબો પૂછે મૂછમાં મલકી
ગુજરીમાં શું વ્હોર્યું, હો!
ફાગ આ પહેલો ખેલવા ગોરી,
ગુજરીમાં શું વ્હોર્યું, હો!

ઘૂંઘટો ખેંચી ગોરી બેઠી,
કૈંક સંતાડે હૈયે, હો!
ખુલ્લી છાતીએ વ્હાલથી વ્હોર્યું
કૈંક સંતાડે હૈયે, હો!

‘દાખવો મોંઘા માલ મોતીના!’
સાયબો પાલવ તાણે, હો!
‘રંગ મોતીના ગોતીએ ગોરી!’
સાયબો પાલવ તાણે, હો!

ઢોલની ઢમક, ચાંદની ચમક,
રંગની રેલંછેલો, હો!
મનામણાં ને રિસામણાંના
રંગની રેલંછેલો, હો!

નાવલિયાના નેહનાં નીરે,
ગોરીનાં ઉર ભીંજ્યાં, હો!
રૂમકઝૂમક ફાગના રાગે,
ગોરીનાં ઉર ભીંજ્યાં, હો!

હૈયા ચોકમાં મોર નાચે છે,
જોઈ લ્યો જેને જોવું હો!
ઉરઘટામાં કોયલ ટહુકે,
જોઈ લ્યો જેને જોવું હો!

આજ નથી શિર ઘૂંઘટો ઢાળ્યો,
ફાગણ ફૂલ્યો ફાગે, હો!
આજ નથી ઉર-છેડલો ઢાંક્યો,
પૂનમના પૂર જાગે, હો!

૨૫ માર્ચ, ૧૯૩૯

(વસુધા, પૃ. ૯૦-૯૩)