કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૭. હસ્તાયણ

Revision as of 07:39, 13 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. હસ્તાયણ|રમેશ પારેખ}} <poem> ::::હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૭. હસ્તાયણ

રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે;
અસંખ્ય ઝાંઝવાંને સ્પર્શવાથી મેલા છે.

આ મારા હાથમાં દમયંતીપણું શોધું છું,
મેં મૃત મત્સ્ય અહીં એકઠાં કરેલાં છે.

રેશમી વસ્ત્રની માફક ઢળી પડ્યા નીચે,
હાથને ખીંટીએ ટિંગાડવા ક્યાં સહેલા છે?

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
તો થાય : મારા હાથ આ જ છે કે પેલા છે?

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો,
કે તેણે તોપનાં મોં જીવતાં કરેલાં છે.

આ હાથ છે ને એના પૂર્વજોય હાથ હતા,
આ વંશવેલા ઠેઠ મૂળથી સડેલા છે.

ખભાથી આંગળી સુધીના સ્ટેજ પર આ હાથ,
હાથ હોવાનો અભિનય કરી રહેલા છે.

હે મારા હાથ, આ દમયંતીવેડા ફોગટ છે
મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે.

આ હાથ સૌથી ખતરનાક બૉમ્બ છે તો પણ
એ સાવ કાચની પેઠે ફૂટી ચૂકેલા છે.

રમેશ, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

૭-૧૨-’૭૩/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૩૪૧-૩૪૨)