કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૮. ફૂલમાળ

From Ekatra Wiki
Revision as of 11:57, 13 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. ફૂલમાળ| ઝવેરચંદ મેઘાણી}} <poem> [ઢાળ: ‘તોળી રાણી! તમે રે ચંપો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૮. ફૂલમાળ

ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: ‘તોળી રાણી! તમે રે ચંપો ને અમે કેળ્ય’]
વીરા મારા! પંચ રે સિંધુને સમશાન,
રોપાણાં ત્રણ રૂખડાં હો...જી;
વીરા! એની ડાળિયું અડી આસમાન:
મુગતિનાં ઝરે ફૂલડાં હો...જી.

વીરા! તારાં ફૂલ રે સરીખડાં શરીર:
ઈંધણ તોય ઓછાં પડ્યાં હો...જી;
વીરા મારા! સતલજ નદીને તીર,
પિંજર પૂરાં નો બળ્યાં હો...જી.

વીરા! તારી ચિતામાં ધખધખતી વરાળ
નવ નવ ખંડે લાગિયું હો...જી;
વીરા! તારી નહિ રે જંપે પ્રાણઝાળ:
ઠારેલી ભલે ટાઢિયું હો...જી.

વીરા! તારા પંથડા વિજન ને અઘોર:
ઓરાણો તું તો આગમાં હો...જી;
વીરા! તારાં વસમાં જિગરનાં જોર:
લાડકડા! ખમા ખમા હો...જી.

વીરા! તારે મુખડલે માતાજી કેરાં દૂધ,
ધાવેલાં હજી ફોરતાં હો...જી;
વીરા! એવી બાળુડી ઉંમરમાં ભભૂત,
જાણ્યું તેં, જોગી, ચોળતાં હો...જી.

વીરા! તારા ગગને ઊછળતા ઉલ્લાસ,
દુનિયાથી દૂરે દોડવા હો...જી;
વીરા! તારે અચળ હતા વિશ્વાસ,
જનમીને ફરી આવવા હો...જી.

વીરા! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ
તરસ્યોયે નો’તો રક્તનો હો...જી.
વીરા! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ,
માભૂમિ કેરા ભક્તનો હો...જી.

વીરા! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ:
પે’રીને પળ્યો પોંખણે હો...જી;
વીરા! તારું વદન હસે ઊજમાળ,
સ્વાધીનતાને તોરણે હો...જી.

૧૯૩૧
સ્વ. ભગતસિંહને ફાંસી અપાઈ તેની વેદનાને વહેતું ભજન.
(સોના-નાવડી, પૃ. ૫૭-૫૮)