કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૫૧. સોના-નાવડી

From Ekatra Wiki
Revision as of 08:28, 15 September 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૫૧. સોના-નાવડી

ઝવેરચંદ મેઘાણી

ગાજે ગગને મેહુલિયા રે,
વાજે વરસાદ ઝડી.
નદી-પૂર ઘૂઘવિયાં રે,
કાંઠે બેઠી એકલડી!
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી!

મેં તો ધાન વાઢી ઢગલા કરિયા,
ડૂંડાં ગાંસડી ગાંસડીએ ભરિયાં;
ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયાં.
ભીંજું ઓથ વિનાની રે,
અંગે અંગે ટાઢ ચડી;
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી.

સામે કાંઠે દેખાયે રે,
વા’લું મારું ગામડિયું;
ગોવાલણ-શી વાદળીએ રે
વીંટ્યું જાણે ગોકળિયું.
મારી ચૌદિશે પાણીડાં નાચી રહ્યાં,
આખી સીમેથી લોક અલોપ થયાં,
દિનાનાથ રવિ પણ આથમિયા.

ગાંડી ગોરજ* ટાણે રે
નદી અંકલાશ* ચડી,
એને ઉજ્જડ આરે રે
ઊભી હું તો એકલડી;
મારા નાના ખેતરને રે
શેઢે હું તો એકલડી.

પેલી નૌકાનો નાવિક રે
આવે ગાતો: કોણ હશે?
મારા દિલડાનો માલિક રે
જૂનો જાણે બંધુ દીસે.
એની નાવ ફૂલ્યે શઢ સંચરતી,
એની પંખી-શી ડોલણહાર ગતિ,
નવ વાંકીચૂંકી એની દૃષ્ટિ થતી,
આવે મારગ કરતી રે
પ્રચંડ તરંગ વિષે;
હું તો દૂરેથી જોતી રે:
જૂનો જાણે બંધુ દીસે;
પેલી નૌકાનો નાવિક રે
આવે ગાતો: કોણ હશે?

કિયા દૂર વિદેશે રે
નાવિક, તારાં ગામતરાં?
તારી નાવ થંભાવ્યે રે
આંહીં પલ એક જરા!
તારી જ્યાં ખુશી ત્યાં તું જજે સુખથી,
મારાં ધાન દઉં તુંને વા’લપથી,
તુંને ફાવે ત્યાં વાપરજે, હો પથી!
મારી લાણી* લેતો જા રે
મોઢું મલકાવી જરા,
મારી પાસ થાતો જા રે
આંહીં પલ એક જરા.

કિયા દૂર વિદેશે રે,
નાવિક, તારાં ગામતરાં!
લે લે ભારા ને ભારા રે!
– છલોછલ નાવડલી;
‘બાકી છે?’ – વા’લા મારા રે!
હતું તે સૌ દીધ ભરી.
મારી જૂની પછેડી ને દાતરડી,
મારાં ભાતની દોણી* ને તાંસળડી*,
તુંને આપી ચૂકી સર્વ વીણી વીણી.
રહ્યું લેશ ન બાકી રે,
રહ્યું નવ કંઈયે પડી;
રહી હું જ એકાકી રે,
આવું તારી નાવે ચડી;
લે લે ભારા ને ભારા રે!
– છલોછલ નાવડલી.
હું તો ચડવાને ચાલી રે,
નાવિક નીચું જોઈ રહે;
નવ તસુ પણ ખાલી રે,
નૌકા નહિ ભાર સહે.
મારી સંપત વહાલી રે,
શગોશગ માઈ રહે.
નાની નાવ ને નાવિક પંથે પળ્યાં,
ગગને દળ-વાદળ ઘેરી વળ્યાં;
આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં.
સૂની સરિતાને તીરે રે,
રાખી મુંને એકલડી.
મારી સંપત લૈને રે,
ચાલી સોના-નાવડલી.
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી.
ગોરજ=ગોધૂલિ. અંકલાશ=આકાશ. લાણી=લણણી, લણેલ ધાન્ય. ભાતની દોંણી=ખેતરે કામ કરનાર માટે લઈ જવાનાં ભોજન (ભાત)ની છાશની મટૂડી. તાંસળડી=તાંસળી, કાંસાનો વાડકો.
૧૯૩૧
માનવીઃ ખેડૂતના નાનકડા ઉદ્યમ-ક્ષેત્રનું સર્વ ઉત્પન્ન આખરે તો, ઘોર આપત્તિમાં ઓરાયેલ માનવી પોતે ન વાપરી શકતાં, કર્મદેવતારૂપી નાવિક હરએક જન્મે આવી આવીને પોતાની સુવર્ણ-નૌકામાં છલોછલ ભરી લઈ જાય છે. સંસારના શ્રેયાર્થે વાપરે છે. પણ ખુદ માનવીને એ પોતાના વાહનમાં ઉઠાવી લઈ કાળપ્રવાહમાંથી ઉદ્ધરી આપતો નથી. માનવીને તો વિલુપ્ત જ બનવાનું છે.

રવીન્દ્રનાથના ‘સોનર તરી’ પરથી ઉતારવાનું ‘કુમાર’ના સંપાદકે સોંપ્યું હતું. ભાઈ રવિશંકર રાવળે શ્રી ક્ષિતિમોહન સેન પાસેથી જાણેલું ગીતનું રહસ્ય આ હતું. ભાઈ રાવળની આ સમજને કારણે અનુવાદમાં મેં કલ્પેલું સ્ત્રીપાત્ર એમને મુનાસબ નહોતું લાગ્યું. વળી, બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી મૂળ કાવ્ય પણ કશો દિશાદોર સૂચવતું નહોતું. મેં તો આગ્રહ જ રાખ્યો છે કે આ પાત્ર બરાબર છે. આટલાં ઔદાર્ય, કારુણ્ય, ઉદ્યમ અને એકલતા નારીને જ શોભી શકે. આ ગીત રવિબાબુના કાવ્યનો શબ્દશઃ અનુવાદ નથી. બલકે, કેટલેક ઠેકાણે મૂળ અર્થ આબાદ ન રહે તેવા ફેરફારો પણ મારે હાથે થયેલા કેટલાકને લાગશે. એ સ્થિતિમાં એક મહાકવિના પ્રિય કાવ્ય ઉપર મારા અનુવાદની જવાબદારી ન નખાય તોપણ મને અફસોસ નથી.
મૂળ કાવ્ય રવિબાબુની કાવ્યસંપત્તિનું એક ઐતિહાસિક રત્ન કહેવાય છે. ઐતિહાસિક એટલા માટે કે કવિવરે ‘સોનાર તરી’ પૂર્વેની પોતાની કાવ્યકૃતિઓ કાચી ગણી છે. અને પોતાની કવિતા-સંપત્તિની સાચી ગણના ‘સોનાર તરી’ પછીથી જ થવી જોઈએ એમ એ માનતા હોવાનું મેં સાંભળ્યું છે. અહીં યોજેલ ‘શીખ દે સાસુજી રે’ના ઢાળમાં વચ્ચે ત્રણ-ત્રણ ચોસલાના ગાળા મૂકવાની પદ્ધતિનો પ્રારંભ મેં કરેલ છે.
(સોના-નાવડી, પૃ. ૧૬૫-૧૬૬)