ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કેશુભાઈ દેસાઈ/ઉપેક્ષિતા
કેશુભાઈ દેસાઈ
બન્ને ગાડીઓ સેક્ટરના લિંકરોડને વળોટીને મુખ્ય માર્ગ પર વળી ત્યાં લગી એ ક્વાર્ટરના ઝાંપા પાસે ઊભી રહી. એણે છેલ્લે વિદાયસૂચક હાથ હલાવતાં જે રીતે ઓશિયાળા ચહેરે હસવાનો પ્રયાસ કર્યો એ જોઈને હું હચમચી ઊઠ્યો હતો. એ અક્ષરેય નહોતી બોલી શકી, પરંતુ એની આંખોએ ઘણું બધું કહી દીધું હતું.
‘અમારી રેશમા શાસ્ત્રીય નૃત્ય શીખે છે. બરાબર તૈયાર થઈજાય પછી એનું આરંગેત્રમ્ રાખવું છે, જલસાબંધ.’
‘અંકલને એમાંખાસ બોલાવશું, ચીફ ગેસ્ટ તરીકે.’ રેશમાએ કહ્યું. શણગારેલી ઢીંગલી જેવી રેશ્મા સાથે મારી પહેલી જ મુલાકાત હતી. એના ડૅડીએ જોકે તેને મારા વિશે ઘણી બધી અતિશયોક્તિભરી વાતો કરી દીધી હોવી જોઈએ.
‘તું ચીફ ગેસ્ટ તરીકે તો કોઈ વી.આઈ.પી.ને બોલાવજે. હું તો તારા અંકલ તરીકે પણ હાજર રહી શકીશ.’ મેં એની સામે તાકીને જરીક મલકાવાની કોશિશ કરી, પણ એટલામાં ઝાંપો ઝાલીને ઊભેલી એની પેલી માસી-રેશમા એની નવી માને માસી કહેતી-નો ઉદાસ ચહેરો મારી આંખો સામે તાદૃશ થઈ ઊઠ્યો. હું અસ્વસ્થ થઈ ગયો. એની ટગર ટગર નજર જ બોલતી હતી અને વિદાયવેળાએ લગાર સ્મિત વેરવા ગઈ ત્યારેય એની આંખોમાંથી વેદના જ વેરાઈ પડી હતી…
‘આઈ હેટ વી.આઈ.પી.ઝ.’ રેશમાએ મારો હાથ પકડી લેતાં કહ્યું, ‘હું તો તમને જ બોલાવવાની સમજ્યા?’
ડ્રાઇવિંગ કરતાં કરતાં એના ડૅડી દીકરીની આ કાલીઘેલી હરકતોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહ્યા હતા. તદ્દન નવા મિત્રો સાથે પણ પહેલા જ પરિચયમાં રેશમા આટલી ઓતપ્રોત થઈ જાય, એ એમને ગમતું હોવું જોઈએ. એમાંય મારા જેવા બહિર્મુખ વ્યક્તિત્વ ધરાવતા ‘ફૅમિલી ફ્રેન્ડ’ પાસે તો અઢળક ભાથું હોય.
‘અંકલ તો દરિયો છે દરિયો.’ એમણે પાછલી સીટપર મને લગભગ અઢેલીને બેઠેલી એની લાડલી સામે જોઈને કહ્યું, ‘એમના નામના તો મુંબઈ ને દિલ્લીમાં સિક્કાપડે છે. ધારે તો તને રાતોરાત પ્રસિદ્ધિનાં શિખરો પર પહોંચાડી શકે —’
‘અંકલ, પ્લિઇઇ…ઝ.’ રેશમાએ મારા પડખામાં ભરાતાં નાટકીય ઢબે કહ્યું, ‘તો પછી ધારો ને, આજે ને અત્યારે જ…’
‘રેશમા, ડૅડી તને ખોટી ખોટી ચડાવે છે.’ મેં કહ્યું, ‘હું તો તદ્દન સીધોસાદો પત્રકાર છું, એથી વિશેષ કંઈ જ નહિ.’
‘તમે ગમે તેટલી દલીલો કરો ને! એ માને તો કહેજો.’ એના ડૅડીએ રેશમાને બરાબર સમજાવી રાખી હતી. મને ેની એકાદ નાની અમથી મુલાકાત છાપવા સામેય ક્યાં વાંધો હતો, પરંતુ બાપદીકરીની અપેક્ષાઓ હું ધારતો હતો એથી ઘણી વધારે હતી.
બેઉ ગાડીઓ ઇન્દ્રોડા સર્કલ વટાવી સરખેજ તરફના ધોરી માર્ગ પર ચઢી. ગાંધીનજર પાછળ રહી ગયું હતું. છતાં મારું મન હજી ત્યાં જ પેલા સેક્ટર ઓગણીના સી. એમ. વાઘેલાના કાવાર્ટરના ઝાંપે જઈ જઈને અથડાતું હતું. રેશમાની માસીના મૂંગા નિસાસા છેક કાળજે જઈને પડઘાતા રહ્યા હતા. મુલાકાત તો એની લેવા જેવી હતી. કંઈ કેટલીય અકથ્ય પીડાઓ છાતીમાં ઢબૂરીને એજીવતી લાશ ક્યારેક કોઈ હરિનો લાલ આવી મળશે. એવી આશામાં ને આશામાં ટકી રહી હશે —
‘અંકલ…’ મારી વિચારયાત્રા ખોટકાઈ ગઈ. રેશમા મને જંપીને બેસવા દેવાની નહોતી. હઠ કરીને એટલા સારુ તો એણે મને એના ડૅડીની ગાડીમાં બેસાડ્યો હતો. પાછળ મારી ફિયાટ તો સાવ ખાલી હતી. ડ્રાઇવર વાઘેલાસાહેબની કારની પાછળ પાછળ તણાયે જતો હતો. અમારેએક બહુ મોટા નેતાની પુત્રીના લગ્ન પ્રસંગે યોજાયેલા રિસેપ્શનમાં હાજરી આપવાની હતી. નેતાએ એક મહિના અગાઉ નોતરું પાઠવી દીધું હતું. એમની ઇચ્છા અખબારોના પાને વહાલસોઇ પુત્રીના પરિણયપર્વનો વિશદ અહેવાલ છપાવવાની હતી.
‘અંકલ તમે અંગ્રેજી પેપરોમાં પણ લખો છો, ખરું ને?’ રેશમાએ કુતૂહલ ભરી દૃષ્ટિથી મારા ચહેરા સામે જોયું.
‘અંગ્રેજી પેપરોમાં જ લખેછે તમારા અંકલ…’ વાઘેલાએ પુત્રીની જિજ્ઞાસા ઠારતાં ઉમેર્યું, ‘તું જો તો ખરી, આવતા રવિવારની એમની કટારમાં તારા વિશે તું પોતેય નહિ જાણતી હોય એવું ઠઠાડી દેશે.’
રેશમા તો ઓળઘોળ થઈ ઊઠી.
‘ઓહ, ગ્રેટ!’ એણે એનું બદન મારી પર નાખી દીધું અને પોતાના નાજુક હાથ મારા ગળા ગળા ફરતે વીંટાળી એની મોટી મોટી આંખો નચાવતાં પૂછવા લાગી, ‘તે હેં અંકલ, તમે છોકરીઓના દિલની વાતો કેવીરીતે જાણી લો છો?’
‘જો, સાંભળ,’ મેં ધીમે રહીને એનો સ્નેહાળ સકંજો છોડાવતાં કહ્યું, ‘બધું આપમેળે ખૂલતું જાય…’
‘ધારો કે કોઈ સ્ત્રી તમારી સાથે વાત જ કરવા તૈયાર ન હોય તો?’ એણે મારી રીતસરની કસોટી જ શરૂ કરી દીધી.
‘કદાચ સ્ત્રી ન બોલે. એની આંખો તો બોલે જ ને? એ થોડી મૂંગી રહેવાની હતી?’ મારો જવાબ સાંભળીને એ ડઘાઈ જ ગઈ.
જોકે મને તો ઝાંપા પાસે ખોડાઈ ગયેલી એની માસી જ દેખાયા કરતી હતી. આમ જુઓ તો એની સાથે તો ખાસ વાતચીત પણ ક્યાં થઈ હતી? વાઘેલાસાહેબે એવો મોકો જ નહોતો મળવા દીધો. રેશમા પણ એવી વળગી પડી હતી કે બધો વખત એ જ ખાઈ ગઈ હતી. એની માસી તો બિચારી રસોડામાંથી પરવારે ત્યારે ને…
‘તું એમને નથી જાણતી હજી —’ વાઘેલાએ રેશમાને મારા પરિચય આપતાં કહ્યું, ‘ભલા હશે તો તારા ઉપર વાર્તા લખી દેશે. બનવાજોગ છે કે એમાં તારું નામ બદલાઈ જાય, બાકી —’
રેશમાના અહોભાવની અવધિ આવી ગઈ.
‘પ્લી…ઝ અંકલ…’ એણે ચહેરા પર ઉમળકો છલકાવી દેતાં કહ્યું, ‘તમારેજે લખવું હોય એ લખવાની છૂટ, પણ મહેરબાની કરીને મારું નામ ન બદલતા. મને મારા નામ પ્રત્યે જરા વધુ પડતો લગાવ છે, યુ મે કૉલ ઇટ માય વીકનેસ…’
એ નામની જંજાળમાં ખોવાઈ ગઈ અને હું તો હજી ત્યાં જઊભો હતો —એની માસીની લગોલગ, વાતવાતમાં પંદરવીસ કિલોમીટર જેટલું અંતર કપાઈ ગયું હતું. છતાં મન તો લકવાઈને ત્યાં જઅડી પડ્યું હતું. બલકે મને તો મારી આખી હયાતી વાઘેલાસાહેબના ક્વાર્ટરના ઝાંપે થંભી ગઈ હોય એવું લાગ્યા કરતું હતું.
‘રેશમા એની મમ્મીએ પાડેલું નામ છે, સાહેબ.’ વાઘેલા ગળગળા થઈ ગયા. મિરરમાં એમના ચહેરા પર છવાઈ ગયેલીગ્લાનિનું પ્રતિબિંબ ઝિલાઈ રહ્યું. ‘બસ, નામપાડીને એ તો ઊપડી ગઈ. પાછુંવળીને જોવાય ના ઊભો રહી.’ મિરરમાં ડળક કરતું આંસુ ખર્યું. ઘડીક તો ભ્રમ પણ થયો. મિરર નંદવાઈ તો નથી ગયો?
‘એમને કોઈ રોગ હતો?’
‘કંઈ સમજાયું નહિ. કાયા તો કાચ જેવીહતી. ડૉક્ટરો પણ મૂંઝાઈ ગયેલા. એમની સમજણ મુજબ કોઈ ધોરી નસમાં લોહીનો ગડ્ડો જામી ગયો હતો. એમ્બોલિઝમ, અંજળ પૂરાં થયાં, બીજું શું? કુદરત સામે માનવી લાચાર છે.’ એમણે છેક પાછલી સીટ પર સંભળાય એવડો નિસાસો નાખ્યો.
‘પ્લીઝ વાઘેલાસાહેબ.’મેં એમની પીઠ પરહાથ ફેરવીને સાંત્વન આપ્યું. ‘તમે તો લડવૈયા છો. જીવનમાં હારજીત તો આવ્યા જ કરે. એથી હતાશ થોડા થવાય?’
‘અદ્દલ રેશમા જ જોઈ લો, રેશમા નાની હતી ત્યાં સુધી તો—’ એમણે રૂમાલ વડે ચહેરો સાફ કરતાં કહ્યું, ‘ત્યાં લગી તો મન મનાવ્યા કર્યું, પણ હવે તો એ અદ્દલ એની મમ્મી જેવી લાગવા માંડી છે. એટલે લાખ પ્રયત્ન કરું તોય—’
‘ડૅડી,’ રેશમાએ વહાલથી એમના ખભે હાથ મૂકીને પૂછ્યું, ‘આપણે રડશું એથી મમ્મી પાછી આવવાની છે’
‘ઓ.કે., બેટા’ કહી વાઘેલાસાહેબે સ્વસ્થ થવાની કોશિશ કરતાં ઉમેર્યું, ‘સોરી, હું હમણાં હમણાં જરાવધુ પડતો સેન્ટિમેન્ટલ બની ગયો છું.’ એ હસ્યા, ‘પાછા ક્યાંય મારી વાર્તા ન ઘસડી પાડતા. હજી એક પ્રમોશન લેવાનું બાકી છે.’
વાતોમાં ને વાતોમાં સત્યાગ્રહ ઝાવણી ક્યારે આવી ગઈ એનો તો ખ્યાલ જ ન રહ્યો.
ભારે ભીડ જામી હતી. ગાડીઓની લંગાર લાગી ગઈ હતી. અમારી બેઉ ગાડીઓ વી.આઈ.પી. પાર્કિંગમાં પાર્ક કરી અમે રિસેપ્શન ભણી ચાલ્યાં, હું કંઈ કહું એ પહેલાં રેશમાએ જ મારા ડ્રાઇવરને સૂચના આવી દીધીઃ ‘તમે જમી લેજો. અંકલ અમારી સાથે રહેશે. હજી તો અમારે અહીંથી જઈને ડ્રાઇવઇનમાં પિક્ચર જોવાનું છે.’
‘નેતાએ ઠઠારો તો જબરો કર્યો છે.’ મેં વાઘેલા તરફ જોયું.
‘અમે બાપુઓ ઠઠારાના શોખીન.’ વાઘેલાસાહેબ મલકાઈને બોલ્યા, ‘આપણી રેશમા વખતે જોજો ને, આનેય ઝાંખો પાડી દઈશું.’
અચાનક એમની નજર મેઘધનુષી ફુવારા પાસે સાફો બાંધીને સ્વાગત માટે ઊભા રહેલા એક યુવક પર પડી. સંકેત કરીને મને રેશમાની જરા છેટે લઈ જઈ પૂછવા લાગ્યા.
‘પેલો છોકરો કેવો લાગ્યો? રેશમા માટે પૂછું છું…’
‘કેમ? દેખાવમાં તો ખોટી નથી.’
‘ના, ના, છતાંય? તમે તો કલમના માણસ. વ્યક્તિને નજર ફેરવતાંની સાથે માપી લો.’
‘રેશમાને ગમતો હોય તો આપણને શો વાંધો હોઈ શકે?’
એમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું, ‘નેતાજીનો સગો ભાણેજ થાય.’
‘અચ્છા?’ મેં રાજીપો વ્યક્ત કર્યો, ‘પછી તો જોવાપણું જ શું રહ્યું? મોરનાં ઈંડાં કંઈ ચીતરવાનાં ન હોય! રેશમાની માસીને તો ગમે છે ને? એમની લીલી ઝંડી મળે એટલે કરો કંકુના…’
‘બરાબર.’ વાઘેલાસાહેબને મારી વણમાગી શિખામણ જરા કઠી હોય એવું લાગ્યું. રેશમા તીરછી નજરે એના મનના માલીગર તરફ જોઈ રહી હતી. એના આનંદમાં વિક્ષેપ ન કરવો જોઈએ એમ તો હુંય ઇચ્છતો હતો. વાઘેલા સાહેબે કહ્યુંઃ ‘લાઇન લાંબી છે. પહેલાં જમી લઈએ તો કેવું?’
‘ગુડ આઇડિયા.’ મેં જરા મોટેથી રેશમાને ઉદ્દેશીને કહ્યું. ‘યુ એન્જોય, રેશમા. અમે જરા અમારાસર્કલમાં ફરી લઈએ. પછી વરકન્યાને મળવાસાથે જ જઈશું. ઓ.કે.?’
‘ઓ.કે., અંકલ.’ કહેતી એ આંખના પલકારામાં ક્યાં સરકી ગઈ એનો અંદા સુધ્ધાં ન રહ્યો.
અમે સ્વરુચિ ભોજન લેતાં લેતાં ટોળટપ્પાં કરતા રહ્યા અને જૂના મિત્રોને મળતા રહ્યા. જોકે મારું મન તો હજીય અડધુંપડધું રેશમાની માસીના ખ્યાલોમાં જ ખોવાયેલું હતું.
‘નેતા તો રેશમાને જોશેએઠલે એકદમ ઊછળી પડશે.’ વાઘેલાસાહેબે ચલાવ્યું. ‘બરાબર વેશ કાઢીને આવી છે ને પાછી. બે-એક મહિના અગાઉ આપણે ત્યાં પધારેલા ત્યારે એને જોઈને બોલી ઊઠ્યા હતા, અરે, આવડી મોટી ક્યારે થઈ ગઈ તું? બસ, તે જ દિવસેવાતવાતમાં એમના ભાણેજ સાથે—’ એમનાથી આગળ ન બોલાવુંય ખોંખારો ખાઈને ભીનાશભર્યા સ્વરે એમણે ઉમેર્યું, ‘એની મમ્મી જીવતી હોતતો એને જોઈને કેટલી રાજી થાત…’
મને ખાતરી થઈ ગઈ કે વાઘેલાસાહેબ સદંતર ભૂતકાળમાં જીવતા હતા, એમને રેશમામાં પણ છેલ્લા કેટલાક વખતથી એની મા જ દૃષ્ટિગોચર થવા માંડી હતી. ઘરેથી નીકળતી વેળાએ નવી પત્ની સામે એમણે જે છાસિયું કરેલું એના મૂળમાં પણ કદાચ એમને ઘેરી વળેલી આ અતીતગ્રંથિ જપડી હોવી જોઈએ.
‘બહુ જ ઊંચું ખાનદાન, હોં.’ એમણે વળી પાછો વાર્તાલાપનો દોર સાંધ્યો. ‘અમે વાઘેલા. એ સિસોદિયા. સૂર્યવંશી.’
‘રાણાપ્રતાપનો વંશવેલો એમ જ કહો ને.’
‘હા, હા, તદ્દન સાચું,વળી એમની ઉપરની પેઢી ક્યાંક નેક્યાંક તો ચિતોડ ને મેવાડના રાજકુટુંબ સાથે જ સંકળાયેલી હશે. પગેરું કાઢનાર જોઈએ.’
એમને અત્યારથી એ પ્રતાપી ઘરાનામાં દીકરી આપ્યાનો પરિતોષ મહેસૂસ થઈ રહ્યો હતો. જોકે હજી તો ખાલી મોઢામોડ ચર્ચા જ થઈ હતી. ચાલ્લા થવાના પણ બાકી હતા.
‘રેશમાની મમ્મી રાઠોડ કુટુંબમાંથી હતી.’ મેં ફરી પાછા ભૂતકાળમાં સરી પડ્યા, ‘જોધપુરના ભાયાત થાય મારા સાસરીપક્ષવાળા. એમ ગણો તો આપણી રેશમા જોધપુરની ભાણી ગણાય અને જેની સાથે વાત ચાલેછે એ મેવાડનો ભાણેજ.’
‘જોડી જામશે ત્યારે તો.’ મેં એમને ગમતી રગ દબાવતાં કહ્યું, ‘ગ્રહો કંઈ જોરમાં લાગે છે, બાપુ, નેતાજી જેવા વેવાઈ મળે પછી તો પૂછ્યાપણું જશું રહે?’ પૂરી સંભાવના છે કે પાંચ વરસપછી આપ પણ દિલ્હી ધમધમાવતા હો.’
‘બહુ ચડાવશો નહિ.’ એમણે હસીને કહ્યું, ‘તાનમાં ડુંગર ચઢી તો જવાય, પણ પછી હેઠા ઊતરતાં તકલીફ થઈ જાય…’ એમણે રસમલાઈનો સબડકોલેતાં ઉમેર્યું, ‘હજી એકવાર ડી.એસ.પી. તો થઈ જવા દો. થોડું કમાઈ લઈએ. દીકરીને મોટા ઘરમાં વતાવવામાટે મોટા કરિયાવરની પણ જોગવાઈ કરવી પડશે ને?’
એમને એક એક શ્વાસ રેશમાના યોગક્ષેમનું રટણ કરતો હતો. આટલો વખત સાથે રહ્યાં છતાં એમણે એકેયવાર પોતાની બીજી પત્નીતો તો ઉલ્લેખ સરખો નહોતો કર્યો.
‘એક વાત પૂછી શકું?’ મારાથી આખરે ન જ રહેવાયું.
ભોજન કરતાં કરતાં પણ મારા ચિત્તમાં પેલી ઉપેક્ષિતાનું ચિત્ર જઅંકાતું રહ્યું હતું. એ અત્યારે એકલીએકલીકેવું વિચારતી હશે? અને એને એકલીને પોતાના પૂરતું રાંધવાનુંય થોડું જ ગમશે? બિચારી બપોરનું વધેલુંઘટેલું પેટમાં ઓરી દઈ ગૂમસુમ એની કાજળ કોટડીમાં ભરાઈ ગઈ હશે. ઓછામાં પૂરું એને વાતના વિસામા જેવું એકાદ છોકરુંય નહિ અને આવા મલાજાવાળા ખોરડાની વહુથી ધણીની ઉપરવટ જઈને કંઈ અડોશપડોશમાં પણ ઓછું દોડી જવાય?
વાઘેલાસાહેબ મારું મન વાંચી ગયા હોય એમ ઠાવકાઈપૂર્વક પૂછવા લાગ્યા. ‘તમે રેશમાની માસી વિશે જાણવા માગો છો, ખરું ને?’
મેં પ્રામાણિકતાપૂર્વક ‘હા’ કહીને માથું હલાવ્યું અને પછી કહ્યું, ‘ક્યારનોય મૂંઝાઈ રહ્યો હતો. આવી બાબતોમાં દખલ ન કરવી જોઈએ. પરંતુ—’
‘ઇટ્સ ઓ.કે., સર…’ એમણે ચહેરા પર સ્મિત આણવાનો પ્રયાસ કરતાં ઉમેર્યું. ‘આપણે એકમેકના શુભેચ્છકો છીએ, મિત્રો છીએ. તમારીસાથે થોડી નિખાલસ વાત કરવામાંય વાંધો નહિ…’ એમની જીભ થોથવાવા માંડી. કદાચ ક્યાંથી શરૂ કરવું એની મથામણને લીધે જ.
‘તમે તો પત્રકાર છો. અમારા ક્ષત્રિયોમાં પણ અસલી-નકલી હોય છે, એ તો જાણતા જ હશો. બસ, એટલામાં જ સમજી જાવ ને.’
‘એટલે કે આપનાં નવાં મિસિસ—’
એમણે ટૂંકમાં જ પતાવ્યું, ‘એ બધું જેમ છે એમ છે. હવે એકવાર એના ઘરનું પાણી પિવાઈ ગયું એ ન પિવાયું થોડું થવાનું છે?’
એમના ચહેરા પર ક્ષોભ લેપાઈ ગયો. પોતેબહુ મોટો ગુનો કરી નાખ્યો હોય એમ એ ભોંઠપ અનુભવતા ઊભા રહ્યા.
‘અમે અસલ રાજવંશી. રેશમાની મમ્મીનું ખાનદાન તો અમનેય આંટી જાય એવું. આ તો પેલું કથન નથી, જેવા જેના લેખ? નહિતર મારે વળી લગ્ન કરવાં હોત તો એક કહેતાં એકાવન હાજર થઈ જાત…’
‘એટલે રેશમાની માસી આપના સમાજ કહેતાં—’
‘હંઅંઅં, એ વળી બક્ષીપંચવાળી જ્ઞાતિની છે. રેશમાની મમ્મીએ મરતી વેળાએ સોગંદ ન ખવડાવ્યા હોત તો હું આ ભૂલ ક્યારેય ન કરત.’
‘ઓહ, એમ છે કે? એનો અર્થ એ કે આપના કુટુંબ સાથે એ બાઈ પહેલાંથી સંકળાયેલી છે.’
‘એનો ભાઈ મારો પી.એસ.આઈ. હતો. વર્ષો લગી એણે મારા રાઇટર તરીકે નોકરી કરેલી, મૂળ બનાસકાંઠા બાજુના કોળી. પછી અટકો તો હવે બધાય લખાવે જ છે ને?’ થોડું અટકીને એ બોલ્યા, ‘મરનાર પત્નીનું વેણ રાખવા જ એને પરણવું પડ્યું. એણે રેશમાની મમ્મીને એવી આંજી નાખેલી કે—’
મને એ સ્ત્રીની દયા આવી ગઈ.
‘પણ એણે રેશમાને પેટની જણીની માફક મોટી કરી, એ તો સાચું ને?’ એમને એટલું સત્ય સ્વીકારતાં પણ ભારે વિમાસણ થઈ રહી હતી.
‘નાનું છોકરું હોય એટલે એને પાળનાર તો કોક જોઈએ જ ને.’
એમણે પોતાની દુઃખતી રગની પીડા વર્ણવતાં કહ્યું, ‘એને બદલે કોઈ નર્સ રાખી હોત પગાર આપીને, તો આ રામાયણ ન થાત ને? અત્યારે તો જરા ગાડું પાટે ચડતું લાગે કે આપણા વાલેશરી એ વાત છેડીને ઊભા રહે છે. ક્યાંય મોઢું કાઢવા જેવું નથી રહેવાદીધું કાળમુખીએ.’
એમાં એનો તો શો વાંક? મારા હોઠે આવેલા શ્બદો ગળી જઈ મેં મૌન સેવ્યું, પણ મારી આંખો સામે તરવરતા કૂંડાળામાં એ તાદૃશ પ્રગટ થઈ. એના ચહેરા પર ગ્લાનિભર્યું સ્મિત છવાયેલું હતું. એની સ્થિર થઈ ગયેલીઆંખો નરવો ખાલીપો ખેરવી રહી હતી. આકાંક્ષાઓની તો જાણે ક્યારનીય હોળી થઈ ગઈ હતી. ન દાદ, ન ફરિયાદ, બસ, કોઈપણ પ્રતિભાવની અપેક્ષા વગર એ ચૂપચાપ, ટગર ટગર તાકી રહેતી હતી.
‘જોયું આનું જનામ તે સંસાર.’ જાણે એને સંભળાવવા જ બોલીરહ્યો હોઉં એમ હું મનોમન બબડ્યો. એને ઘણાં વર્ષો બાદ આટલાં દિલાસાભર્યા વેણ સાંભળવા મળ્યાં અને એ જાણે ઓળઘોળ થઈ ઊઠી. એના હોઠ ફરકી રહ્યા, ‘તમે જ એક મારી કદર કરનાર નીકળ્યા, નહિ તો દુનિયાએ તો મને મારી રેશમાથીય—’
એને જાણે ઘણું બધું કહી દેવું હતું. પણ એના ‘દરબાર’ કહેવાદે ખરા કે? હજીતો માંડ મારી સાથે મારી કલ્પનામાં વાતની માંડણી કરવા જેટલી એણે હિંમત કરી ત્યાં તો વળી એ વચ્ચે ટપક્યા.
‘તમને ભલીભોળી લાગી હશે, બાકી બડી ચાલાક છે. સુવાવડી સ્ત્રીની જરા સરખી રીતે ચાકરી કરો તો એ તો સર્વસ્વ ન્યોછાવર કરી દે. મરનારને એટલીય ખબર ન રહી કે આ બાઈનો ઓછાયો અડતાંવેંત ઇકોતેર પેઢીની આબરૂ એક મિનિટમાં…’
એમને એટલાં વર્ષેય એની સાથે લગ્ન કર્યાની કેવો જબ્બર પસ્તાવો હતો એ જોઈ હું તો અવાચક જ થઈ ગયો.
‘એ તો પાડ માનો ઉપરવાળાનો કે હું વખતસર ચેતી ગયો… રેશમાની મમ્મીનો શોક પણ મૂકવો બાકી રહ્યો છે મેં કોઈને પૂછ્યાગાછ્યા વગર જ ‘વાઝેક્ટોમી’ કરાવી દીધી. નહિતર આજે મારી શી વલે હોત?’
મને ચક્કર આવી ગયાં.
‘સાંભળ્યું?’ જાણે એ ધીમે અવાજે મારા કાનમાં કહી રહી હતી, ‘ને મારો મા બનવાનો હક્ક સુધ્ધાં છીનવી લીધો…’
એના સુંવાળા, નિર્દોષ મુખમંડળ પર ઉદાસીનું વાદળ છવાઈ વળ્યું. એનું ડૂસકું એ વાદળના ભારે તળે દબાઈ ગયું, એ જાણે કહેતી હતી.
‘નીકળતી વેળાએ તમે કેટલો આગ્રહ કર્યો હતો, પણ એમને મન હું તો ફક્ત ગોલી છું. ઘરવાળી ગણતા હોત તો આમ એકલી મૂકીને મિજબાનીઓ માણવા થોડા દોડતા હોત?’
ધીમેધીમે મારી આંખો સામેના કૂંડાળાં અદૃશ્ય થઈ ગયાં. એનો અવાજ પણ કર્ણપ્રદેશના અગોચર રણમાં કુંવારકાનાં જળની જેમ ઓગળી ગયો.
મને રૂંવેરૂંવે એરું આભડ્યા હોય એવી અસહ્ય પીડા ઊપડી હતી. નેતાને નજરે પડીને હું જે મને તેમ જલદી ભાગી છૂટવા માગતો હતો. આ ઝાકઝમાળભર્યા સક્કાર સમારંભની સ્ટોરી કરતાં હજાર હજાર ગલી રોમહર્ષક સ્ટોરી તો ત્યાં પડી હતી — ત્યાં, સેક્ટર-૧૯ના એ સરકારી ક્વાર્ટરમાં.
‘હું જરા નીકળું.’ મેં વાઘેલાની ક્ષમાયાચના કરતાં કહ્યું. ‘એક ખાસ એપોઇન્ટમેન્ટ તો ખ્યાલ બહાર જ રહી જતી’તી. જવું પડશે…’
‘પણ આટલો તો ડ્રાઇવ-ઇનમાં મૂવી જોવાનો પ્રોગ્રામ હતો ને?’
એમનો આગ્રહ સકારણ હતો, પરંતુ હું જે મનોવ્યથામાં ઘેરાઈ ગયો હતો એમાં હું એમના આનંદપર્વમાં સહભાગી બની શકું એવી કોઈ શક્યતા જ નહોતી બચી.
‘આય’મ સૉરી, સર.’ મેં વિવેક કરતાં ઉમેર્યું, ‘મારા વતી આપ જરા રેશમાની પણ ક્ષમા માગી લેજો. પ્લી…ઝ.’
હું ઉતાવળો ઉતાવળો છેવાડા ખૂણે ડિશ મૂકી આવ્યો. હાથ-મોં ધોઈ ઝટપટ નેતાની નજરે પડવા મંચ પર ધસી ગયો. ફટાફટ કૅમેરાની ચાંપો દબાઈ. વિડિયો રેકૉર્ડિંગ થઈ ગયું. બૂકે અપાઈ ગયો. નવયુગલ સાથે ટૂંકો પરિચયવિધિ સંપન્ન થયો અને હું નાસતા પગલે નીચે ઊતરી ગયો.
‘અં…કલ.’ રેશમા હાંફતી હાંફતી મારી પાસે દોડી આવી. ‘આમ અમને એકલાં મૂકીને છટકી જવાય કે?’
‘જો બેટા, મને પણ તારી કંપની ખૂબ ગમે છે. સાથે મૂવી જોવાની પણ મઝા આવત, પણ હું લાચાર છું. ફરી કોઈવાર. હવે તો આપણે અવારનવાર મળતાં રહીશું. યુ આર ઑલ્વેઝ વેલકમ.’
એ નિરાશ થઈ ગઈ હતી.
‘એની વે, જેવી આપની મરજી.’ કહી એ ધીમે પગલે એનાં સમવયસ્કોની દુનિયામાં સરકી ગઈ.
રસ્તો એ જ હતો. હા, કંપની જરૂર બદલાઈ હતી. રિસેપ્શનમાં જતી વખતે એકસાથે બે સ્ત્રીઓનો સહવાસ અનુભવાયેલો. રેશમાની માસી ગેરહાજર રહીનેય સતત મારી સાથે ને સાથે રહી હતી. હું પાછો ગાંધીનગર શા માટે જાઉં છું એ વિશે ડ્રાઇવરને તો કલ્પના પણ ક્યાંથી આવે. સાહેબ ધૂની છે. એટલું તો એ જરૂર સમજે. પણ આવડું મોટું રિસેપ્શન અધવચ્ચે આટોપી લઈ કોઈ દુખિયારાની દૂંટીની વાત સાંભળવાની ધૂનમાં પાટનગરની પ્રદક્ષિણા આરંભી છે, એવી સમજણ તો એને પાડીએ ત્યારે જ પડે.
વાઘેલા અને રેશમા સાથે નીકળતાં પહેલાં મેં પૂછેલું તે યાદ આવ્યું.
‘મૅડમ કેમ તૈયાર નથી થયાં, હજી લગી?’
રેશમાએ શણગારેલી ઢીંગલીની જેમ તૈયાર થયેલી નિહાળીને મારાથી સ્વાભાવિક રીતે જસવાલ થઈ ગયેલો.
એ તો કશું નહોતી બોલી, પણ વાઘેલાસાહેબે ગોળગોળ જવાબ જરૂર આપ્યો હતો, ‘ઘરે પણ કોઈએ રહેવું પડે ને? એમ કંઈ તાળું થોડું મારી દેવાય?’
‘એકાદ દિવસ ઘર બંધ રહે તો કંઈ ખાટુમોળું ન થઈ જાય.’ રસોડામાં જતાં જતાં એણે દબાયેલા અવાજે એના હૈયે ધરબાયેલી વાત મૂકવા કોશિશ કરેલી ત્યારે વાઘેલાસાહેબ પળવાર પૂરતા પોલીસ અધિકારીના સેલમાં તાડૂક્યા હતા, ‘બહુ ડહાપણ સારું નહિ.’ અને પછી ઘરમાં સ્મશાનની ગમગીની છવાઈ ગઈ હતી.
ડ્રાઇવરેઇંદ્રોડા સર્કલે પહોંચતાં પૂછ્યું, ‘સીધા સરકીટ હાઉસ ને, સાહેબ?’
મેં ચમકીને જવાબ વાળ્યો, ‘પહેલાં જરા ઓગણીસમાં લઈ લે.’
અને પછી એને પેલી ઉત્તાદપાદ રાજાવાળી વાત સંભળાવવા લાગ્યો.
‘જૂના વખતમાં ધ્રુવ નામનો તપસી થઈ ગયો, એતો જાણે છે ને?’
‘પેલો ઓતરાદી દિશામાં ધરુનો તારો દેખાય છે એની વાત છે?’
‘હા, એની જ વાત છે. એના બાપનું નામ ઉત્તાનપાદ હતું. અને એમને બે રાણીઓ હતી.’
‘સાંભળેલી વાત છેઃ એક માનીતી ને બીજી અણમાનીતી.’
‘બરાબર, પણ પેલી અણમાનીતીને તો મન મૂકવામાટે દીકરોય હતો, ધ્રુવ જેવો. ત્યારે આપણી વાર્તામાં તો અણમાનીતી સાવ એકલી છે. પારકી દીકરીને — ઓરમાન દીકરીને પેટની જણી કરીે ઉછેરી, એય બદલાઈ ગઈ છે…’
ડ્રાઇવરને થોડું થોડું સમજાયું. ‘સાહેબના ઘરેથીની વાત છે ને?’
ગાડી બરાબર વાઘેલાના ક્વાર્ટર આગળ આવીને થોભી. ગાડીની ઘરઘરાટી સાંભળીને એણે અંદરથી લાઇટ ઑન કરી. બારણું ખોલીને એકાદ ક્ષણ ગાડી સામું જોયું. પછી મને જોઈને કશું જ બોલ્યા વિના ચૂપચાપ બારશાખ પકડીને ઊભી રહી.
હું નીચે ઊતરી શક્યો નહિ. અહીં સુધી આવી ગયા પછી મારે પગે જાણે મોટો બોજ વળગ્યો હતો. હું સામે ઊભેલી સ્ત્રીની મૂંગી વેદના જીરવી શકું તેમ નહોતો.
મેં ડ્રાઇવરને કહ્યું. ‘સ્ટાર્ટ કર.’
ગાડી સડસડાટ ઊપડી ત્યારે મેં જોયું તો એ દોટ મૂકીને ઝાંપા લગી આવીગઈ હતી. જોકે ગાડીની ઘરઘરાટીમાં એ કશું બોલી હોય, છતાં મારાથી સાંભળી શકાયું નહોતું. હા, એનો અધ્ધર ને અધ્ધર તોળાઈ રહેલો હાથ જરૂર દેખાયા કર્યો હતો. (‘ઝરમરતા ચહેરા’માંથી)