અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અજિત ઠાકોર /મધરાતે
મધરાતે
અજિત ઠાકોર
એક ડોશી
રાતે અઢીક વાગે
હાથમાં ઝાંખું ફાનસ લઈ
ફળીમાંથી થાય છે પસાર.
એના જીંથરવીંથર ઊડતા વાળ સમારવા
એ જે ઘર સામે
મૂકે ફાનસ
સવારે
તે ઘરમાંથી ઓછું થાય એક ‘માણસ’.
સાંભળ્યું છે:
એને ઝાંપો ઠેકતી જોતાં
ગામ આખાનાં કૂતરાં રડી ઊઠે છે...
હું જાગી ગયો છું...
મારા પલંગ તળેથી ઉભરાતો
અંધકાર
કદાચ એક ઝાંખા ઝાંખા ફાનસમાં
પલટાઈ રહ્યો છે...
હું ચાદર ખેંચું છું
ફળીનો વાંસો પોલો જણાય...
સૂસવાતો લાગે...
પાંપણના એક વાળ પર ધ્રૂજતો ઊભો છું
ઘૂઘવે છે ફેનિલ દરિયો
પાંપણો પાછળ
તરે છે દૂ...ર
એક ઝાંખું ઝાંખું ફાનસ...
(અમદાવાદ, ૨૮ માર્ચ, ૧૯૮૫)