અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/ઊગી ગયો
Revision as of 06:00, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊગી ગયો|એસ. એસ. રાહી}} <poem> વાળ્યું હતું મેં માન ને પડ્યો ઊગી ગ...")
ઊગી ગયો
એસ. એસ. રાહી
વાળ્યું હતું મેં માન ને પડ્યો ઊગી ગયો
કેડી જુવાન થઈ પછી રસ્તો ઊગી ગયો
તારાં અષાઢી આંસુઓ પ્હોંચ્યો હશે જ ત્યાં
મોતીને બદલે છીપમાં દરિયો ઊગી ગયો
શ્રદ્ધાનો સૂર્યોદય થયો તોફાની નાવમાં
ધુમ્મસ હતું પ્રગાઢ ને તડકો ઊગી ગયો
અચરજ છે એ જ વાતનું જૂના તળાવને
કરમાયેલા કમળ મહીં ભમરો ઊગી ગયો
છેવટે એ ચાર આંખમાં ઝળક્યું’તું સ્મિત જ્યાં
ખાલી પડેલ ઘોડિયે ઘૂઘરો ઊગી ગયો
માથાવિહોણું ફરતું હતું મારું આ શ રીર
ઝાકળ લઈ તું આવી તો ચ્હેરો ઊગી ગયો
મારી ભીતર ઉદાસ થયો ‘રાહી’ કંઈ રીતે
કાળી એ કામળીમાં શું તમરો ઊગી ગયો?