અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/નભ વચ્ચે આ કયો ખલાસી...

From Ekatra Wiki
Revision as of 05:10, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નભ વચ્ચે આ કયો ખલાસી.|ઉષા ઉપાધ્યાય}} <poem> નભ વચ્ચે આ કયો ખલાસી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નભ વચ્ચે આ કયો ખલાસી.

ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે?!

જળ ગૂંથીને ઊભો થાતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘનવન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે!
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે?!