અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ મોદી/એક વખત
એક વખત
દિલીપ મોદી
એક વખત
વૃક્ષોની સભાએ
ઠરાવ પસાર કર્યો કે
આપણે પણ
પક્ષીઓની પાંખ પર બેસીને
આકાશમાં ઊડવું જોઈએ...
એક વખત
રેલવેના પાટાને મનોમન
પ્રશ્ન થયો કે
આપણી વચ્ચેની અળગતા શા માટે?
આપણે બંને એક ન થઈ જઈએ?
એક વખત
રસ્તાએ કહ્યું કે
મારે આ મારી સ્થિતપ્રજ્ઞતા
છોડી દેવી છે
અને મુસાફર બનીને મારે
અત્રતત્ર સતત બધે
હરવું ફરવું છે...
એક વખત
ફૂલોએ વિચાર્યું કે
ચાલો, આપણે સુવાસ વડે
મંદિરમાં બિરાજેલા દેવના
શ્વાસોને રુંધી નાખીએ...
એક વખત
પવનને થયું:
ક્યાં ગયા મારા હાથપગ?
ક્યાં ગયો મારો ચહેરો?
મારી આંખો ક્યાં હશે?
મને એ બધું કોઈ લાવી આપો
મારે
મારી જાતને ઓળખવી છે...
એક વખત...