અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ આચાર્ય/અંધારું અને પ્રેમ

Revision as of 07:56, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંધારું અને પ્રેમ|રમેશ આચાર્ય}} <poem> હું અંધારાના પ્રેમમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અંધારું અને પ્રેમ

રમેશ આચાર્ય

હું અંધારાના પ્રેમમાં છું,
આ વાતની જ્યારે મને
જાણ થઈ ત્યારે
ઘણું મોડું થઈ ગયું હતું.
પ્રથમ દૃષ્ટિનો પ્રેમ કહી શકાય
મારી બાએ
રૂની વાટથી પાડેલી મેશનું
મને પ્રથમ આંજણ કર્યું ત્યારે
એની શરૂઆત થઈ
કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે
મારો અંધારા સાથેનો પ્રેમ
આગળ વધ્યો
બાળપણમાં પાછળથી આવી
મારા મિત્રે મારી આંખ દાબી હતી
અને થોડાં વરસો પછી મારી પ્રેમિકાએ
તેનું પુનરાવર્તન કર્યું ત્યારે
બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું
એ હું આજે પણ નક્કી કરી શકતો નથી
અને એ પણ નક્કી કરી શકતો નથી
કે એ હાથ અંધારાના હતા
કે પ્રેમના...
(‘ઘર બદલવાનું કારણ’, પૃ. ૧૭)