અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ ઝવેરી ‘બેફિકર’/નાનું પણ લઈ...
નાનું પણ લઈ...
સુરેશ ઝવેરી ‘બેફિકર’
નાનું પણ લઈ ઝાઝું બેઠું;
હોઠોમાં રજવાડું બેઠું.
વર્ષોથી છે દ્વાર ઉઘાડાં,
વચ્ચે જોકે જાળું બેઠું.
ફૂલોને સૌ ફંફોસીને,
એક પતંગિયં છાનું બેઠું.
નળિયાને શું ખોટું લાગ્યું!
ઘરના ઘરમાં આઘું બેઠું.
ચાંદ થવામાં બાકી શું છે?
તારી ભીંતે છાણું બેઠું.