અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ જાની/આવડા ઉરની (આવડું ઉર!)
Revision as of 08:10, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
આવડા ઉરની (આવડું ઉર!)
રમેશ જાની
આવડા ઉરની માંડવી તે શી વાત!
આવડા ઉરની છાંડવી તે શી વાત!
કોક સમે એના આભમાં પેલું
જાગતું ઘેલું
રંગભર્યું પરભાત;
કોક સમે એના બાગમાં ફાગે
રાચતું રાગે
હસતું પારિજાત! — આવડા.
કોક સમે એના સાદમાં ઝીણા
સૂરથી વીણા
ગુંજતી ર્હે મધરાત;
કોક સમે એના નાદને લહેકે
મોરલો ગ્હેકે
પાડતો મીઠી ભાત! — આવડા.
કોક સમે એના ગાનમાં ઘેરો
સાગર કેરો
ઊછળતો ઉત્પાત;
કોક સમે સૂનકાર વેરાને
જલતા રાને
ધીખતો ઝંઝાવાત! — આવડા.