અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/અબ બોલે તો મારૂંગા
દલપતરામ
વળિ પરદેશી નર વદે, જીવમાં રાખી જંપ;
બહુ મીઠું જો બોલીયે, શાથી વણસે સંપ.
વિનય થકી વશ થાય છે, રાજા ને વળિ રાંક;
કદી ન સૂજે કોઈને, પણ પોતાનો વાંક.
એમ કહ્યું એ અવસરે, ત્યાં નર એક નઠોર;
મિયાં નીસર્યો મારગે, ખરોજ ટંટાખોર.
પરદેશી પ્રત્યે પછી, ભણે શેઠ ધરી ભાવ;
વાલપણા ને વિનયથી, લે આને બોલાવ.
પછી તેણે ત્યાં પૂછિયું, સ્નેહે કરી સલામ;
સાહિબ ખુદનું નામ શું? ક્યા તેરે હે કામ?
સુત તેનો સાથે દેખીને, પૂછ્યું પુત્ર તુમેરા હૈ?
બુજ રીસ કરી તે બોલ્યો, નહિ મેરા તો તેરા હૈ?
પુત્ર તમારાને પરમેશ્વર, અધિક અધિક આયુષ આલો,
મિયાં કહે જો મરજિ તુમારી, અબી ઇધર મારી ડાલો.
સાલમપાક શિયાળે કરશો, થાશે પુષ્ટ સરસ ચેરા;
સુકા સુકા હમ લડકી હોગા, સાલે ક્યા લેતા તેરા?
માણસ સાથે માણસ બોલે, દોસ્તી કરે ન રહે મુંગા;
દોસ્તી તેરી જહાનમમેં ગઈ, અબ બોલે તો મારૂંગા.
પરદેશી સમજ્યો પછી, કાજ કઠણ છે એહ;
જેનો જન્મસ્વભાવ જે, ટળવો દુષકર તેહ.
પછી તે પોતે શેઠ પણ, પ્રભુને કરી પ્રણામ;
લક્ષ્મી સાટે સંપને, જાચે આઠે જામ.
સાંભળ નિર્ધનશાહ તું, અંતર ધરી ઉમંગ;
સંપ તજી સંપત્તિનો, સ્વપને ન કરીશ સંગ.
પૂર્ણ તારૂં તપ પેખીને, ત્રુઠ્યા ત્રિલોચન રાજ;
તેં માગ્યું ધન તુચ્છ પણ, મને મોકલ્યો આજ.
શુણીને નિર્ધનશાહ મન, નિશ્ચય થયો નિશંક;
સમજ્યો મહિમા સંપનો, ગણી રમાને રંક.