અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/પ્રેમળ જ્યોતિ (મારો જીવનપંથ ઉજાળ)

Revision as of 10:25, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
પ્રેમળ જ્યોતિ (મારો જીવનપંથ ઉજાળ)

નરસિંહરાવ દિવેટિયા

         પ્રેમળ જ્યોતિ તારો દાખવી
         મુજ જીવનપંથ ઉજાળ.

દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ;
         મારો જીવનપંથ ઉજાળ.

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય;
         મારે એક ડગલું બસ થાય.

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપબળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ;
         હવે માગું તુજ આધાર.

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ
         મારે આજ થકી નવું પર્વ.

તારા પ્રભાવે નિભાવ્યો મને, પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર;
         દાખવી પ્રેમળજ્યોતિની સેર.

કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ;
         મને પહોંચાડજે નિજ દ્વાર.

રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ;
         જે મેં ખોયાં હતાં ક્ષણવાર.




પ્રેમળ જ્યોતિ • સંભવત: પં. નારાયણ મોરેશ્વર ખરે • સ્વર: મધુરી ખરે



પ્રેમળ જ્યોતિ • સંભવત: પં. નારાયણ મોરેશ્વર ખરે • સ્વર: અમર ભટ્ટ