અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અરદેશર ફ. ખબરદાર/તેમીનાને
અરદેશર ફ. ખબરદાર
અમૃતમય આત્મજા! તાતધન તેમીના!
તારક તું જ મુજ આંખ કેરી!
મુજ જીવનક્ષિિતિજથી તું જતાં શી પડી
જવનિકા હૃદય સર્વત્ર ઘેરી!
તદપિ તું તેમની તેમ રહી તારકા,
સ્થૂળમાંથી સરી સૂક્ષ્મમાંહી :
તું જ નવલ સૃષ્ટિના એ પ્રવાસે લીધી,
મુજ અબલ દૃષ્ટિ પણ તેં જ ત્યાંહી!
જન્મ ને મૃત્યુ છે ઉભય સુંદર જગે,
હો ભલે ઉભયના પંથ ન્યારા!
પણ ખરે મૃત્યુ એ અધિક સુંદર દિસે,
જ્યાં ખીલે માત્ર શુભ સ્મરણક્યારા!
પૂર્ણ સૌંદર્યમાં તું સરી ગઈ, સુતા!
ત્યાં કશી શોકતંત્રી જગાડું?
અંત્ય આનંદશબ્દો સર્યા તુજ મુખે,
ત્યાં કશા અવર ધ્વનિ આજ પાડું?
સાત ને વીશ નક્ષત્ર વર્ષોતણી,
તું જ જીવનચંદ્રની ફેરી પૂરી;
શુદ્ધ કૌમાર્ય તેં સફળ કીધું, સુતા!
રહી અમારી જ સેવા અધૂરી!
વૃદ્ધ માતાપિતા અંધ ઉરવ્યોમમાં,
અન્ય તારક છતાં તિમિર ભાળે;
તોય નિજ હૃદયના હૃદયમાં જ્યોતિ તુજ,
નવ થશે લુપ્ત ત્યાં કોઈ કાળે!
આજ આકાશનાં મંડળ ઉઘડી ગયાં,
જ્યોતિની રેલ રેલાય સઘળે;
આત્મ મુજ નાહ્ય તુજ અસ્તના રંગમાં,
અમૃતનાં બિંદુ વેરાય ઢગલે!
તું જ કવિતા હજી મુજ રંક જીવનની,
દર્શનિકા હતી તું જ મારી!
વિશ્વચૈતન્યમાં ધન્ય વસજે, સુતા!
તુજ સ્મરણમાધુરી આ સ્વીકારી!