અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/સૂની વિજનતા
Revision as of 04:57, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
સૂની વિજનતા
સ્નેહરશ્મિ
રડે વિજન સૂની શાન્તિ અહીં તો, અને ગામ આ
પડ્યું શબ સમું બની, ખખડતાં પથે પાંદડાં,
અનેક ઉરના તૂટેલ અવશેષ-શાં કારમાં,
કરે વધુ બિહામણી શ્રમિત શૂન્ય વેરાનતા! —
અરે! વિજનતાય સૂની થઈ! પ્રાણ ના, શ્વાસ ના!
ગયા, હિજરતે ગયા સકળ જીવ આ ગામના!
ગયા હિજરતે! ન શું જનમભોમકા હૂંફ દે?
અને ધરતીના બધા રસકસો ગયા ખૂટી કે?
નહીં, ઘરઘરે મૂગાં ઝૂરી રહ્યાં સૂતાં દ્વારમાં
રહ્યા પવન આથડી જડ મદાંધ કો આંધીના!
બની જગત બાપડું અદય આંધી એ આજ તો,
રહ્યું નીરખી, કિન્તુ શું હિજરતે તુંયે છે ગયો! —
બને! મનુજ સૃષ્ટિના વિષભર્યા ઊના વાયરા
નિહાળી પ્રભુ! તું પળ્યો હિજરતે હશે શૂન્યમાં?
(સકલ કવિતા, પૃ. ૬૫)