અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/માનવીનાં રે જીવન
Revision as of 05:19, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
માનવીનાં રે જીવન
મનસુખલાલ ઝવેરી
માનવીનાં રે જીવન!
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
એ સનાતન શ્રાવણ.
એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
ચીતરાયું ચિતરામણ.
એક અંધારથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
ઓશિયાળી અથડામણ.
આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં,
ભલભલા માંહી ભૂલા પડે તોય,
કારમાં કેવાં કામણ?
ઘડી અષાડ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ.
માનવીનાં રે જીવન!