અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/તનસુખ ભટ્ટ ‘યાત્રી’/ઝંખના (ધોળિયું ધજાયું)
Revision as of 06:38, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
ઝંખના (ધોળિયું ધજાયું)
તનસુખ ભટ્ટ ‘યાત્રી’
ધોળીયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યાં.
ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે મારગ અમે સંચર્યા.
ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે મારગ અમે સંચર્યા.
પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ,
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે મારગ અમે સંચર્યા.
ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા.