અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/આયુષ્યના અવશેષે: ૨. પ્રવેશ

Revision as of 09:32, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


આયુષ્યના અવશેષે: ૨. પ્રવેશ

રાજેન્દ્ર શાહ

ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,
ત્યહીં ધૂમસથી છાએલા તે વિષણ્ણ ઉજેશની
ટશર ગગને લાગી; જાગી દિશા અનુકંપને.

ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,
ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધાં ચરણો મુજ.

મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.

ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી;
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.