અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ભૂલેશ્વરમાં એક રાત
રાજેન્દ્ર શાહ
કેવી અહો મસૃણ સેજ!
(રેશમી સંસ્પર્શ!)
શીળી લહરી સમુદ્રની!
આવાસમાં એકલ,
બંધ પાંપણ
અને પ્રતીક્ષા લય-લા’ સુષુપ્તિની.
વાજે ટકોરા દશ,
શેન આરતિ
તણાં દદામાં ચહુ ચૌર મંદિરે.
તહીં પૂરે-વૉલ્યુમ રેડિયો ધ્વનિ,
ભૂકંપ
(ના શેષ ચળ્યો છતાંય તે!)
નિશીથ (તે શી દલિતા)!
ઘરર્ઘર
જ્યાં લોહનાં ચક્ર ભમંત
(કામના).
આસ્ફાલ્ટને મારગ અશ્વ ડાબલા.
અરે કુરુક્ષેત્રની સૌ ભૂતાવળ!
ક્ષણેકની શાન્તિ? નહીં,
ન ભાગ્યમાં.
આ ઓરડો તે
અપક્વ ખોરાક ભરેલ હોજરી
સમો,
જહીં ઉંદરની દડાદડી.
શો રાત્રિનો આ અવશિષ્ટ યામ!
છીંડી મહીં બે રડતાં િબડાલ
અને જનારાં જન...
‘લા ઈલાહ...!’
રે નીંદ મોરી!
ઊભી બજારે કરી જાય પ્રેમ
એવી ન મૉડર્ન.
શી લાજ! ભીરુતા!
આલોક ના, શબ્દ નહીં,
અબોલ
અંધાર એને ગમતો અકેલ!
રે નીંદ મોરી!
આ તો હવે બ્રાહ્મમુહૂર્ત,
નેપુર
આરે થકી આવતી દૂધવાળીના
તે ભૈરવી તર્જ વિશે વણાય
જે ઊઘડેલા દર શાકભાજીના.
માથે લઉં ઓઢણ,
યત્ન અંતિમ
(આંખે દીધા હસ્તથી ના ટળે ભય);
ત્યાં
બારણે બેલ.
જરા ઉઘાડથી
ટાઇમ્સ,
તારીખ નવી,
નવો યુગ!