અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આશ

From Ekatra Wiki
Revision as of 10:29, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


આશ

નંદકુમાર પાઠક

પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી
ગગને ગોરંભાયો મેહુલો,
         વરસી વાદળી જાય જી;
શામાં રે ઝીલું હું પાણી બાવરો,
         ખોબે છલકાતું જાય જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

ખીલતી વસંતની વાડીએ,
         આવ્યો ફૂલડાંનો ફાલ જી;
કેમ રે ચૂંટું હું ફૂલ આવડાં?
         છલકે ધરતીની છાબ જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

ઘૂઘવે સાગર કાળી રાત આ,
         દૂર ઊઘડે ઉજાશ જી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
         તૂટે તોયે ના આશ જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.