અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે

From Ekatra Wiki
Revision as of 07:19, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા!
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા!
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી!
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું!
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી!
ક્યાં આવતોક ને ઊભો રહ્યો! છેવટે મારી સામે જ!
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ!
— અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું!
તને તો શું સમજી શકવાનો હતો?
હું મને જ થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.

(સમસ્ત કવિતા, પ. ૬૧૫)