અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/અનહદ સાથે નેહ

From Ekatra Wiki
Revision as of 07:44, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
અનહદ સાથે નેહ

મકરન્દ દવે

મારો અનહદ સાથે નેહ!
         મુને મળ્યું ગગનમાં ગેહ.

ખરી પડે તો ફૂલ ન ચૂંટું,
         મરી મટે તો મીત;
મનસા મારી સદા સુહાગણ
         પાતી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
                  એક ઘડીનો વ્રેહ!
         મુને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
         માથે તીખો તાપ;
મેઘરવા મુને હરિ મળ્યા ત્યાં
         અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
                  મધરો મધરો મેહ!
         મુને મળ્યું ગગનમાં ગેહ.
સતનાં મેલી રંગ સોગઠાં
         ખેલું નિત ચોપાટ,
જીવણને જીતી લીધા મેં
         જનમ જનમને ઘાટ;
ભેદ ન જાણે ભોળી દુનિયા
         ખોટી ખડકે ચેહ!
         મુને મળ્યું ગગનમાં ગેહ.

(સૂરજમુખી, ૧૯૬૧, પૃ. ૧૩૧)