અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફકીરમહંમદ મન્સૂરી/મેલ હવે મન ઝાવાં —
Revision as of 08:20, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
મેલ હવે મન ઝાવાં —
ફકીરમહંમદ મન્સૂરી
મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.
ધરી હથેળી ઉલટાવીને,
આંખે છાજલી કરવી,
દેખાય તેટલી દૂરથી એને
સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?
વરસી રહેતી વાદળી ભલે
અહીંથી જોજન દૂર,
આવશે વહી વાયરે એનું
મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.
(ઇજન, ૧૯૮૫, પૃ. ૩૬)