અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કૌંચવધ

From Ekatra Wiki
Revision as of 08:47, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
કૌંચવધ

પ્રિયકાન્ત મણિયાર

નિદાઘ ભડકે બળે અગન વેરતો સૂર્ય શો
મને ઉદર મધ્ય અગ્નિ પજવે ક્ષુધાનો નર્યો,
અરણ્ય ભરપૂર તોય પશુ એક ના પ્રાપ્ત છે,
બખોલ મહીં ગુપ્ત ક્યાંય, વિહગો વળી નીડમાં,
સુકાય મુજ હોઠ ને શર તણીય એ જીભ શી
હવે વલખતી રહી વિહગ ક્યાંય આવી ચડે
સુદૂર નીરખું નહીં હૃદય કૈંક ટાઢું પડે
મળ્યું યુગલ ક્રૌંચનું પટ પરે તહીં લીનશું—
અનંગ રમણા મહીં અવશ અંધ છે શી ક્ષણો!
નિશાન બસ એકને તરફડી પડ્યું એક તે
મળ્યું સભર માંસથી જઠર પોષતું શું મળ્યું.
ઊડ્યું મૃદુલ અન્ય એક લઘુ પાંખથી ચીખતું
વિભક્ત કરી ભક્ષ્યને ઉદર બેઉ ઠારી દીધાં.
નમ્યો પ્રખર સૂર્ય ને ગગન એ જ શું શાંત છે
ઘડીક ભ્રમણા ભરી સકલ રંગના શ્રોતની
ધરે ટશર આભલું, તિમિરની યથા તેજની
ચગ્યો મધુર ચંદ્રમા પ્રિયતમા હવે પાસ તું
હજી નિકટ આવ તું, વચલું વસ્ત્ર બાધા કરે
છલંગ ભરતો પ્રયોધર પ્રમત્ત, એ જોડલી
ગ્રહું મધુર ટેરવે અકલ એકથી સાંભળું
કહીંથી રવ ક્રંદતી, વિલપતી જ ક્રૌંચી તણો!