અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહરલાલ ચોકસી/ઓગળતી રહી
Revision as of 09:19, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
ઓગળતી રહી
મનહરલાલ ચોકસી
ગુફ્તગોમાં રાત ઓગળતી રહી,
ને શમાઓ સ્પર્શની બળતી રહી.
સ્વપ્નમાં એકાન્તનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.
વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.
ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની ટળવળતી રહી.
હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.
હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.
(અક્ષર, ૧૯૭૩, પૃ. ૧૦૬)