અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/ધરો ધીરજ

From Ekatra Wiki
Revision as of 09:21, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
ધરો ધીરજ

શેખાદમ આબુવાલા

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો,
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી!
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થાનારો એ અંગારો નથી હોતો.

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો.

જરી સમજી વિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાં એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઈ અણસારો કે વરતારો નથી હોતો.

ફકત દુ :ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

(હવાની હવેલી, પૃ. ૯૦)