અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/સાદ કર
Revision as of 09:55, 14 July 2021 by MeghaBhavsar (talk | contribs)
સાદ કર
ચંદ્રકાન્ત શેઠ
એ જ તારામાં હશે, તું સાદ કર,
ખીણ તેથી શું? શિખરને સાદ કર.
જિંદગી ખારા જળે ખોવાય ના,
ક્યાંક તારો મેહુલો, ત્યાં સાદ કર.
આટલા અંધારમાં પણ એ જડે,
એખ દીવા જેમ તુંયે સાદ કર.
ક્યાં સુધી એકાંત અંદર વેઠવું?
આયનાના આદમીને સાદ કર.
એ જ આવી છાંયડે લ્હેરી જશે,
ભરબપોરે ડાળ પરથી સાદ કર.
આટલામાં ક્યાંક એ રહે છે ખરો!
બારીએ ડોકાય એવો સાદ કર.
પોતીકું તો સ્નેહમાં સમજી જશે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.
(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)