અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/સૂરજ કદાચ ઊગે
Revision as of 10:49, 14 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સૂરજ કદાચ ઊગે|હરિકૃષ્ણ પાઠક}} <poem> ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રો...")
સૂરજ કદાચ ઊગે
હરિકૃષ્ણ પાઠક
ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે,
ભળભાંખળું થયું છે; સૂરજ કદાચ ઊગે.
હળવેકથી હવામાં સંચાર ક્યાંક થાતો,
પગલું પડી ગયું છે; રસ્તો કદાચ સૂઝે.
પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,
તરણું કળી રહ્યું છે; જંગલ કદાચ ઊડે.
ખળખળ થતી હવામાં ડૂબી ગયું ચરાચર,
હૈયું છલી ગયું છે; દરિયો કદાચ ડૂબે.
અણજાણ વાદળી કો વરસી ગઈ છે વ્હાણું,
તારોડિયું ખર્યું છે; તડકો કદાચ તૂટે.
(સૂરજ કદાચ ઊગે, પૃ. ૩૧)