અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/હવે

From Ekatra Wiki
Revision as of 10:13, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


હવે

હરિકૃષ્ણ પાઠક

હવે અમારે શું ગમતું-અણગમતું?
ભાવ-શૂન્ય આ ભવસાગરમાં નાવ ભલે ને રમતું!
હવે અમારે શું ગમતું અણગમતું?

સઢના દોર કહીં નહિ બાંધ્યા,
નહીં હલેસાં હાથે.
કાળ-પ્રવાહે વહ્યે જવું – બસ
અંધ સમયની સાથે.
ક્ષિતિજ વિશે ધ્રુવતારક હો કે આભ શૂન્યતા ઝમતું!
હવે અમારે શું ગમતું અણગમતું?

રટણા નહિ મઝધાર તણી
નહિ પાર જવાની લગની:
જેવી શીત સપાટી –
એવો વડવાનલનો અગની.
અમે પંડથી અળગા: બ્રહ્માંડ ભલે ને ભમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?
‘સૂરજ કદાચ ઊગે’



આસ્વાદ: લયસભર લકીર — જગદીશ જોષી

ઘણીયે વાર માણસે સહન કરેલી વ્યથામાંથી નિર્વેદ જન્મેઃ અને વૈરાગ્યની નદીનું મુખ કદાચ આ નિર્વેદ જ હશે. ક્યારેક વૈરાગ્યની કક્ષાએ જ્યારે આ નિર્વેદ નથી લઈ જઈ શકતો ત્યારે એમાંથી એક વિરાટ કંટાળો મનમાં ઘર કરી જાય છે.

પણ અહીં આ કાવ્યના પ્રારંભના જ બે શબ્દો જુઓ. “હવે અમારે”… ‘હવે’માં અભિપ્રેત છે કૈં કેટલાય કાળથી વહી આવેલી વ્યથાની નદીની પ્રૌઢિ. ‘મારા’ની મમતાની ક્ષિતિજો જે વ્યક્તિ વિસ્તારી શકી છે એ જ ‘અમારે’ની પરિભાષામાં વિચારી શકે છે. જે માણસ ‘મારા’નાં વમળોમાંથી ઊગરીને ડોકું વહેણની ઉપર કાઢી શકે છે તેને જ ‘અમારા’નું દર્શન લભ્ય બને છે. પોતાનામાં કે પછી સમાજમાં રસ લેનાર માણસને ગમા-અણગમા, સારા-ખરાબ, ઊંચા-નીચાના ભાવ હોય. ભેદભાવ હોય: એને જ દ્વંદ્વોની દ્વિધા પીડતી હોય. પોતે કોઈના ‘થવા’ની કે કોઈને પોતાના ‘કરી લેવા’ની વૃત્તિ હોય.

જે માણસની નાવ આ ખેંચતાણરહિત પ્રવાહોમાં રમતી હોય તેણે પોતાના સહના દોર ક્યાંય બાંધવાની જરૂર નથી. એને ‘હસેલાંની’ જરૂર નથી કે ‘હડસેલા’ની ફિકર-ચિંતા નથી. એને કોઈ મંજિલ નથી. એને પથદર્શક ધ્રુવતારક પણ અનિવાર્ય નથી; એને કોઈ ધજા નથી કે એને કોઈ નારો નથી. નારો તો ઠીક, પણ આરો – કિનારો પણ એને લોભાવતો નથી કે મઝધારની એને ઝંખના નથી. અહીં તો ધ્યેય એક જ છે – વહ્યે જવું. કાળના પ્રવાહમાં, એ પ્રવાહની ગતિવિધિ પ્રમાણે બસ વહ્યે જવું એ જ એકમાત્ર કર્મ છે, ધર્મ છે. સ્વીકૃતિનું શ્રદ્ધાબળ જેનામાં જન્મ્યું છે તેને માટે તો without any strings attached વહ્યે જવામાં જ સંતોષ છે. અહીં શૂન્યતાને વળગી રહેવાની સ્વ-પીડનની વૃત્તિ પણ નથી અહીં તો એક શૂન્યતામાંથી બીજી શૂન્યતામાં સંક્રાન્ત થતું વહન છે, અભર શૂન્યતાને સભર શૂન્યતા તરફ દોરી જતું વહન છે. ‘I connect nothing with nothing’ની વેદના છે; તો સામે, મઝધાર અને કિનારા વચ્ચે, શીતસપાટી અને વડવાનલની ગહરાઈ વચ્ચે, નિંદા અને સ્મૃતિ વચ્ચે, ધ્યેયક્ષમતા અને ધ્યેયશૂન્યતા વચ્ચે એક અભેદ રચી દેવાની મનની સંકલ્પ-શક્તિ પણ છે.

પંડથી અળગો પડેલો માણસ જ બ્રહ્માંડમાં ભળી શકે એથી પણ આગળ ચાલીને કદાચ કહી શકાય કે બ્રહ્માંડ પણ ભલે ‘ભમતું’, છતાં અમે તો પિંડથી અળગા થયા એટલે અમે તો નિર્ભ્રમ છીએ. હા, અહીં કવિ સમયને ‘અંધ’ કહે છે ત્યારે કદાચ આપણે કહી બેસીએ કે આ કાવ્ય નિતાન્ત નિર્વેદમાંથી જન્મ્યું છે, નિરાધાર નિરાશામાંથી જ જન્મ્યું છે. છતાં પણ, સમગ્ર કાવ્યનો ભાવ જાણે કે ભારતીય તત્ત્વજ્ઞાનનો ગેય ઉદ્ગાર હોય એમ લાગે છે. એટલે જ કદાચ આજના આ કવિએ ‘ભવસાગર’ જેવા પરંપરાગત રૂપકનો સ્વીકાર કર્યો છે. અને છતાં પણ હરિકૃષ્ણ પાઠક ઉદ્ગારની આધુનિક સરળતા ને સ્વાભાવિકતાથી સાહિત્યના પ્રવાહ ઉપર લયની એક મધુર લકીર ખેંચી શક્યા છે તે એમની સભાનતાને આભારી છે. જુદી જુદી imagesનો ખડકલો કરીને આંચકો આપવાનો કસબ અજમાવ્યા વગર કવિએ હોઠ પર આવેલું છે તેને સ્વાભાવિકતાથી, ઊર્મિની પ્રામાણિકતાથી ગાયુ છે. સાગર, નાવ, રાહ, હલેસાં, પ્રવાહ, ધ્રુવતારક, મઝધાર, વડવાનલ – આ જ પરિભાષામાં વાત કરે છે. અને ગીતની એક unity સાધે છે અને છતાં છેલ્લી પંક્તિમાં પિંડ-બ્રહ્માંડની વાત મૂકીને આ કાવ્યને એક નવું પરિમાણ આપે છે.

ફરીફરી પ્રશ્ન થાય છે કે અહીં ભાવના શમન પછી આવતી સમતા છે કે વિષમતામાંથી જન્મતી શૂન્યતા છે? કહેવાનું મન થાય છે કે કદાચ, અહીં બન્નેની સહોપસ્થિતિ છે. હીરો અને પથ્થર, બન્નેનું દુનિયામાં અંકાતું મૂલ્ય જાણ્યા પછી પણ. જો આપણું મન બન્નેને સમત્વ બક્ષે તો એને આપણે નિરર્ગળ નિર્વેદ કહીશું કે ગીતામાં ઉદ્બોધેલા स्थितप्रज्ञનું લક્ષણ કહીશું? (‘એકાંતની સભા'માંથી)