અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુ પુવાર/લૅંચુજીનું ગીત
Revision as of 07:12, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લૅંચુજીનું ગીત|ઇન્દુ પુવાર}} <poem> અમે લયનું લૂંટાવ્યું ગામ :...")
લૅંચુજીનું ગીત
ઇન્દુ પુવાર
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લૅંચુ લચકેલો,
તમે વાણીનો કરજો વેપાર
કે લૅંચુ ચસકેલો.
સૂના તળાવની પાળે ઊભેલા
જાંબાનો જુગજૂનો જોગી,
લ્હેરમાં આવીને કોક હુંકારો દે ત્યાં
લપાક લઈને ભોગી.
મારે લાડીવાડીનાં શાં કામ?
કે લૅંચુ લસકેલો.
અક્ષરની પૂંછડીનો વાંકો વિસ્તાર
હું અર્થોની ઠાઠડી બાંધું,
મહાંણિયા મ્હાદેવના ડમરુના હાદે
ઘૂઘરમાળ બાંધી નાચું.
મારી કાયામાયાનાં આ નામ
કે લૅંચુ ફસકેલો.
અમે લયનું લૂંટાવ્યું ગામ
કે લૅંચુ લચકેલો.