અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/શું ચીજ છે?
Revision as of 11:51, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું ચીજ છે?|રમેશ પારેખ}} <poem> એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ...")
શું ચીજ છે?
રમેશ પારેખ
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શું ચીજ છે?
ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?
કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે?
રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે?
ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?
વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?