અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/‘આપણું’ ગીત
Revision as of 11:03, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘આપણું’ ગીત|માધવ રામાનુજ}} <poem> :::::આપણે તો ભૈ રમતારામ! :: વાયરો...")
‘આપણું’ ગીત
માધવ રામાનુજ
આપણે તો ભૈ રમતારામ!
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.
વાદળ કેવું વરહે, કેવું ભીંજવે! એવું ઊગતા દીનું વ્હાલ!
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે —
બસ, એટલામાં તો છલકી થાઇં ન્યાલ!
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, ચલમ પાય
ને પૂછે — કઈ પા ર્હેવાં રામ?
વાયરો આવે-જાય, એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.
ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે
ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈને હાલતા થાઇં, પૂછતા નવાં નામ…
આપણે તો ભૈ રમતારામ!
(તમે, ૧૯૭૨, પૃ. ૯૬)