અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયન હ. દેસાઈ/મુકામ પોસ્ટ માણસ

From Ekatra Wiki
Revision as of 11:25, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુકામ પોસ્ટ માણસ|નયન હ. દેસાઈ}} <poem> જીવ્યાનું જોયાનું હસવું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુકામ પોસ્ટ માણસ

નયન હ. દેસાઈ

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,
ભીંતો ને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ.

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે ને પગલાંને ડંખે છે લાલપીળા સિગ્નલ,
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો એ હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે,
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવા ને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા,
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કૅન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાને ખંડેર ક્યારેક જઈ બેસે છે,
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.
(મુકામ પોસ્ટ માણસ, ૧૯૯૨, પૃ. ૨૩)