અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/માગશરની અમાવાસ્યા
Revision as of 05:00, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માગશરની અમાવાસ્યા|જયદેવ શુક્લ}} <poem> આકાશનાં લાખ્ખો, કરોડો,...")
માગશરની અમાવાસ્યા
જયદેવ શુક્લ
આકાશનાં
લાખ્ખો, કરોડો,
અબ્બજો કાણાં
ચમકતા બરફથી
પુરાઈ ગયાં છે.
કાંટાળા અન્ધકારમાં
એ
અસંખ્ય વિકરાળ પ્રાણીઓની
આંખ જેવાં
ચમકે છે.
ગોટેગોટ અન્ધકાર
વધુ ને વધુ છવાતો જાય છે.
કાળા કાળા ગઠ્ઠા
આમતેમ અથડાય છે.
શ્વાસ ડચુરાય છે.
જો સૂરજ ઊગે તો...
કદાચ...
સવારે સૂરજ પણ
બરફનું ગચ્ચું બની જાય તો?!
કાંટાળા અન્ધકારમાં
દીવાસળી શોધું છું.
વાટ જડતી નથી.
(સમીપે-૧, સપ્ટેમ્બર)