અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/થોડા ઘડિયાળપ્રશ્નો

Revision as of 11:13, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|થોડા ઘડિયાળપ્રશ્નો|કમલ વોરા}} <poem> ઘડિયાળનો કાચ ખોલી અળગો ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


થોડા ઘડિયાળપ્રશ્નો

કમલ વોરા

ઘડિયાળનો કાચ ખોલી અળગો કરું છું.
સેકન્ડના કાંટાને
હળવેથી ઊંચકી લઉં છું
પછી મિનિટ અને કલાકના કાંટા
કાઢી નાખું છું
એકમેકને ચલાવતાં દંતચક્રો
એક પછી એક જુદાં કરું છું
છેલ્લો ઝીણો પેચ પણ
દૂર કરી દઉં છું
હવે
ઘડિયાળનું એક એક અંગ અલગ છે
હાથ
શું આવ્યું?

મારા જન્મ પહેલાંની ઘડિયાળનું લોલક
એકધારું ઝૂલે છે
હા, એને ઝુલાવવા
ચાવી દેતા રહેવું પડે છે
નિયમ પ્રમાણે ડંકા વગાડી
આખા ઘરને એ ગજવી દે છે!
દીકરો
વર્ષગાંઠ પર લઈ આવ્યો
તે ઘડિયાળ તો અજબ છે
એમાં જાતજાતના ઝબકાર છે
અનેક આરોહમાં એ રણકતી રહે છે
દીકરો કહેઃ
ડૅડ, ડોન્ટ વરી, ઇટ ઇઝ લાઇફ-લૉન્ગ
હું એને પૂછવાનું ટાળું છું
મારી, તારી કે ઘડિયાળની
કોની લાઇફ?

ત્યાં.. દૂ...ર...
તમારી ઘડિયાળના કાંટા
મારી ઘડિયાળના કાંટાથી સાવ ઊંધા...
આપણે
સપનામાં અચાનક મળી જઈએ
તો મારે કઈ ઘડિયાળમાં જોવું?
તમે આવ્યા નથી
આ ઘડિયાળ
કેમેય ચાલતી નથી
તમે આવી ગયા
સામે જ છો
હું ઘડિયાળ જોવાનુંય
ચૂકી જાઉં છું
તમે જઈ રહ્યા છો
જશો જ
હું કાંડા પરથી ઘડિયાળ...?
એકસામટી કેટકેટલી
કેટકેટલી
ઘડિયાળો કલબલી રહી છે!
હું ગૂંચમાં છું
કઈ ઘડિયાળ સાચી?
આ ઘડિયાળોનું હું શું કરું?

ઘડિયાળે
બાર આંખો પટપટાવી
ત્રણ હાથે ફંફોસ્યું
સાંઠ-સાંઠ જીભ લપકાવી
કાન માંડી રાખ્યા
તે છતાં
હે ઘડિયાળી
આ એકધારી ટિક્... ટિક્...
શું છે?

ઘડિયાળ બગડી
અટકી ગઈ છે
ઘડિયાળનું અટકવું
કોઈ પુરાવો નથી
ચાલતા રહેવું કોઈ સાબિતી નથી
છતાં ચાલતી ઘડિયાળ અટકેછે
બગડી ગયેલી ફરી ચાલે છે
એકધારી ઘૂમે છે
પણ
છવેટનો પ્રશ્ન તો ઊભો જ રહે છે —
આ ઘડિયાળ
છે શું?

એક એક ઘડિયાળ કાંટા વિનાની
ગતિહીન આકારો
શબ્દ વગરના અવાજો
નિયમરહિત હોવું
સ્મૃતિશૂન્ય ઓળખ
ઘડિયાળ
ભ્રમરહિત સત્ય?
કે સત્યવિસર્જિત ભ્રમણા?
કે સત્ય અને ભ્રમણા વચ્ચેની રિક્તતા?
નવનીત સમર્પણ, સપ્ટેમ્બર, ૨૦૧૦