અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/મેડી
Revision as of 11:58, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેડી|દલપત પઢિયાર}} <poem> ટોડલે ટહુક્યા ઝીણા મોર ભરચક ભાત્યોભ...")
મેડી
દલપત પઢિયાર
ટોડલે ટહુક્યા ઝીણા મોર
ભરચક ભાત્યોભીની કોર
અમે ફૂલદોર ગૂંથ્યાં હારોહાર…
અદ્દલ મેડી ઉગમણી!
ઓરડા લીંપ્યા ને અમે હથેળીમાં ખૂટ્યાં,
ઝરમર ઝીલ્યા મેઘ માટી મેંદી જેવું ફૂટ્યાં,
અમે છાનું છાનું છૂટ્યાં બારોબાર…
અદ્દલ મેડી ઉગમણી!
કાગ બોલ્યા ડાળે, અધવચ કાયા વિસારી,
કોરી ભૂમિ પાળે, અઢળક નજરું ઉતારી;
અમે ટોળેટોળાં તલસ્યાં અપાર…
અદ્દલ મેડી ઉગમણી!
બારીએ બેઠાં કે ગગન આઘે આઘે તેડે,
ઉંબરે આવ્યાં કે અંગત બાંધી લીધાં છેડે;
અમે અડધાં અંદર અડધાં બહાર…
અદ્દલ મેડી ઉગમણી!
(ભોંયબદલો, પૃ. ૮૯-૯૦)