અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/મેલો, દલપત! ડા'પણ મેલો...
Revision as of 12:02, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેલો, દલપત! ડા'પણ મેલો...|દલપત પઢિયાર}} <poem> મેલો, દલપત! ડા’પણ મે...")
મેલો, દલપત! ડા'પણ મેલો...
દલપત પઢિયાર
મેલો, દલપત! ડા’પણ મેલો,
છેક સુધીનું અંધારું છે,
મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો...
ભણ્યા ગણ્યા બહુ દરિયા ડો’ળ્યા,
ગિનાન ગાંજો પીધો!
છૂટ્યો નહીં સામાન
ઉપરથી છાંયો બાંધી લીધો!
જાતર ક્યાં અઘરી છે જીવણ!
થકવી નાખે થેલો...
મન હરાયું, નકટું, નૂગરું,
રણમાં વેલા વાવે!
ઊભા દોરનો દરિયો ફાડી,
આડી રેત ચડાવે!
કેમ કરી છોળોને રોકો?
બમણો વાગે ઠેલો...
પીએચ.ડી.ની પદવી તેથી શું?
ભણી કવિતા ભગવી તેથી શું?
પડદા તો એવા ને એવા
જ્યોત, પાટ પર જગવી તેથી શું?
વાળી લ્યો બાજોઠ બહારનો
અંદર જઈ અઢેલો...
પડવું તો બસ આખ્ખું પડવું,
અડધું પડધું પડવું શું?
અડવું તો આભે જઈ અડવું,
આસનથી ઊખડવું શું?
આખો ખૂંટો ખોદી કાઢી
ખુલ્લાં ખુલ્લાં ખેલો...
(ગુજરાત, દીપોત્સવી, ૨૦૬૧)