અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/ફૂલવાડો
નીરવ પટેલ
ફરમાન હોય તો માથાભેર
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?
ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.
આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.
કદીક ચાંદની રાત મળે તો પોયણાની જેમ પાંગરતાં.
કદીક રાતરાણીની જેમ છૂપાં છૂપાં સુવાસ રેલાવતાં,
કદીક નરગીસની જેમ મૂગા મૂગા રડતા.
પણ આ સદીના સૂરજે સહેજ રહેમનજર કરી
કે માંડ્યાં ટપોટપ ખીલવાં.
રંગ તો એવા કાઢે કે પતંગિયાનેય પ્રેમમાં પાડે,
સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે,
બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમ :
સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કૉલેજોમાં
જાણે એમના ઉચ્છ્વાસથી જ છે
પ્રદૂષિત પર્યાવરણ બધું.
ગામ હોય ત્યાં ફૂલવાડો હોય
એ તો સમજ્યા,
પણ હવે ઝાઝો નહિ જિરવાય આ ફૂલફજેતો.
રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો
પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ,
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને.
કચડી કાઢો, મસળી કાઢો
આ અસ્પૃશ્ય ફૂલોને.
પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?
મનોરથના હિંડોળા કેમ ભરશું?
ભદ્ર પેટદેવને કેમ રીઝવશું?
આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે
આપણાં પાયખાનાં જેવાં જીવન.
આ તો પારિજાતના છે પૃથ્વીનાં.
રેશમના કીડાની જેમ
ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો
ગામેગામ ને શહેરેશહેર.
એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર —
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલો કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?
ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.