અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂકેશ વૈદ્ય/અહીં
Revision as of 09:18, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહીં|મૂકેશ વૈદ્ય}} <poem> નથી રહ્યાં ઘર, નથી ગામ, નથી નદી, નથી મળ...")
અહીં
મૂકેશ વૈદ્ય
નથી રહ્યાં ઘર,
નથી ગામ, નથી નદી,
નથી મળસ્કે ફૂટતા ફટાકડાનો અવાજ...
નવા વરસનાં શુકન બોલનારા તો
ક્યાંથી જ હોય અહીં?
તોયે ચાળીસ વરસે આવી ચડી છે
એક સવાર.
અંધારે અંધારે ફટાકડામાં ફૂટતી
ઊઘડતી ધૂમ્રગોટે
ચળકતી ધૂંધળી
સ્થિર જ્યોત ઝળહળે છે ગોખલાઓમાં.
ઘરનો એક્કેય ગોખલો આજે ખાલી નથી.
ફળિયે ફાનસની ધમાચકડીમાં
મને નવાં લૂગડાં પહેારવી
લાકડી લઈ બા-બાપાની આંગળી પકડીને
મોસાળ આખ્ખુંય થનગને છે.
બળદના ઓળા પડતાં જ
ખળભળે છે કાવેરીનાં જળ
મહાદેવની દેરીએ ઊંચાં પગથિયાં અકળ.
પારિજાતના માંડવેથી
ટપોટપ ખેરવે છે
કેસરી દાંડીવાળી
મઘમઘતી સવાર.
(તથાપિ, સપ્ટે.-નવે.)