અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દાન વાઘેલા/વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત

Revision as of 09:34, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત|દાન વાઘેલા}} <poem> જીવતર જીવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વીર મેઘમાયાએ ગાવા ધારેલું એક ગીત

દાન વાઘેલા

જીવતર જીવ્યાં તાણેવાણે!
સાળ વચાળે શ્વાસ ગૂંથતા, હરદમ હરિનાં ગાણે!

જીવતર જીવ્યાં તાણેવાણે!...
ફળફળતાં જળમાં ઝબકોળી
કરમ-જુવારની કાંજી!
સૂતરને તરણીથી જ તાણી
અંજળ નીરખ્યાં આંજી!

ખપાટ ખસતી જાય ખટાખટ, ખરાં ખોળિયાં ટાણે!
કરમ-ધરમનાં લેખાં-જોખાં, ગુંજે પાણે-પાણે!

જીવતર જીવ્યાં તાણેવાણે...
અરધાં બાહર અરધાં ભોં-માં
રહ્યાં ચોફાળ સાંધી!
હૃદય-રાશનો રંગ ચડાવ્યો
રાખી મુઠ્ઠી બાંધી!

નિગમ-સારમાં નીતિ જીતી, મૂલ ન થાયે નાણે!
જોગી, યોગી, ધીર, વીર મેઘમાયો મસ્તી માણે!

સાળ વચાળે શ્વાસ ગૂંથતા...
જીવતર જીવ્યાં...
હયાતી, જૂન, પૃ. ૫