અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/અમે વૃક્ષની જાત...

Revision as of 04:52, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમે વૃક્ષની જાત...|ઉષા ઉપાધ્યાય}} <poem> અમે વૃક્ષની જાત — અમે ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અમે વૃક્ષની જાત...

ઉષા ઉપાધ્યાય

અમે વૃક્ષની જાત —
અમે ના ખળખળ વહીએ સંગે.

ડાળ-પાનમાં રહે ઝીલાતો
જળનો નાતો સ્હેજ!
ફૂલ-કળીમાં છલકે સઘળે
જળનું ઝલમલ તેજ,
પામિયા અચળપણાના શાપ
અમે ના ખળખળ વહીએ સંગે.

થાય અધિકું કદી, ઝૂકીને,
નિરખી લઈએ જળમાં,
વળી સમેટી જાત, ઊતરીએ
સદીઓ જૂનાં તળમાં,
પામિયાં મૂળ-માટીનું રૂપ
અમે ના ખળખળ વહીએ સંગે.

હશે અધિકાં મારાં કરતાં
પરપોટાનાં ભા’ગ,
ભલે પલકભર વહે ઝીલતાં
મેઘધનુષી રાગ,
અમારે ઝીલવી નરદમ ધૂપ
અમે ના ખળખળ વહીએ સંગે.