અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/ઊંટ

From Ekatra Wiki
Revision as of 05:01, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊંટ| ઉષા ઉપાધ્યાય}} <poem> હતી દીવાલે ગયા સમયના ઠાઠ અને અસબાબ સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઊંટ

ઉષા ઉપાધ્યાય

હતી દીવાલે ગયા સમયના
ઠાઠ અને અસબાબ સમા કૈં
ઝૂલ, ચાકળા, કાંધી, તોરણ, ભેટ અને તલવાર, કટારી;
પરસાળ વચાળે
અમીયલ નેણાંવાળી બાયું
સુપડે સોતી ધાન
કાંબીના રણકા શું હસતી’તી,
હતા આંગણે લીમડા હેઠે
ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ
મૂછોના તાવ
કાળને ધરબી દેતા આંખ્યુંની રાતડમાં
ઝગતા તેગઝર્યા અંગાર
અને ત્યાં દૂર
સમયને કાંધે લઈ
ગાંગરતું ઊભું ઊંટ
વાટ કોઈ નવી ખેપની જોતું,
જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર
હવાની શી લાગી કૈં ગંધ
અચાનક થડકી ઊઠ્યું —
કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ
ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું
વાંભ વાંભની ઠેક ભરીને
હડફેટે ઘર ધડૂસ કરતું
પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને —
અને હવામાં હવે તરે છે
ગીધ સમી મડદાંની તીખી ગંધ,
સાંજની રુંઝ્યું ઢળતાં
ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન
ગણે છે ઝાળ ચેહની,
વિખરાયેલાં વાળ, ચીંથરેહાલ સુરત લઈ
નગરની તૂટી મોતનમાળ નીરખતી
સ્તબ્ધ ધરા પણ
હજુ રહી છે કંપી!
હજુ રહી છે કંપી!