અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/એમાં શું?

Revision as of 05:05, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એમાં શું?|ઉષા ઉપાધ્યાય}} <poem> ::એક દિ' પેલાં ઝાડને જોઈ ::: એમ થયુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એમાં શું?

ઉષા ઉપાધ્યાય

એક દિ' પેલાં ઝાડને જોઈ
એમ થયું કે લાવ ને હુંયે
ઘેનઘેઘૂરી ઝાડવું બની જાઉં.

મનમાં મારાં એમ કે એમાં શું?
મૂળ નાખીને ડાળ ફેલાવી,
પાંદડે-પાંદડું ફરકાવીને
એ...ય ને હળવે સૂર રેલાવી,
તડકો ઝીલતું નીલ-સોનેરી પંખી બની જઉં,
આભ આવીને રાતવાસો રહે એવડી છાયા દઉં.

પણ જરા જ્યાં મૂળ નાખ્યાં ત્યાં
સ્હેજ હવા નહીં, કંકર-પથ્થર,
ધરતી અરે આટલી કઠણ!
ટગલી ડાળે સીંચવાનું જળ આટલું અધ્ધર!
ઝટ દેતાં લઉં પગ ખેંચી, નૈ કામ આ મારું,
જાય ઊડી એ પહેલાં અસલ અંચળો ઓઢી લઉં!