અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિજય રાજ્યગુરુ/સોળ વરસની છોકરીનું ગીત

From Ekatra Wiki
Revision as of 05:31, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સોળ વરસની છોકરીનું ગીત|વિજય રાજ્યગુરુ}} <poem> સૂરજના હાથમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સોળ વરસની છોકરીનું ગીત

વિજય રાજ્યગુરુ

સૂરજના હાથમાં ઘોડાની રાશ છે, ખુલ્લું આકાશ છે,
મદમાતો વાયરોય વાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!

ફળિયાની બ્હાર કૈં પડછાયો જાય નહિ આસપાસ વંડીની ચોકી,
ડુંગરના ઢાળ પર પડછાયો તરબતર કોઈ ન શકે લગાર રોકી,
જોબન છલકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
ઝાંઝર રણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાલ ચડી જાય છે!

ફળિયામાં વાયરો ડહાપણનો ડાયરો, ઓઢણી ખસેડતાંય બીતો,
ડુંગર પર જોરથી, ભીંસે ચોમેરથી, પાંદડીને આરપાર પીતો,
મોઢું મલકાવતી, ફળિયાની લીમડી વાયરાને વળગીને ગાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
સૂરજના હાથમાં —

સૂરજના હાથમાં ઘોડાની રાશ છે, ખુલ્લું આકાશ છે,
મદમાતો વાયરોય વાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
(ચાલ પલળીએ!, ૨૦૦૦, પૃ. ૧૩)