અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંસ્કૃતિરાણી દેસાઈ/એક કાવ્ય (યાદગીરીની લપસણી...)

Revision as of 07:50, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક કાવ્ય (યાદગીરીની લપસણી...)|સંસ્કૃતિરાણી દેસાઈ}} <poem> યાદગી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એક કાવ્ય (યાદગીરીની લપસણી...)

સંસ્કૃતિરાણી દેસાઈ

યાદગીરીની લપસણી પર જઈ બેસું છું
ને તે લસરાવી દે છે
ફરી જીવું છું હું એ પ્રસંગ
ને કોઈક વાર હીંચકા પર બેસીને
હીંચું છું
ને હીંચકો લઈ જાય છે મને
પાછળ ભૂતકાળમાં ને ફરી પાછો વર્તમાનમાં
ને ફરી પાછો ભૂતકાળમાં
પણ કોઈક વાર હીંચકો પાછળ જ પકડાઈ જાય છે
નથી આવી શકતો આગળ
હું ઊતરી જાઉં છું ક્યારેક એ જૂના પ્રસંગમાં
ત્યાંની બહેનપણીઓ ને મિત્રો સાથે
ગુજારું છું થોડો સમય
ને કોઈક વાર સફળ થાઉં છું તેમને આ બાજુ
ખેંચી લાવવામાં
એ જ મિત્રો
હીંચકો આવે છે જ્યારે આ બાજુ
ત્યારે લઈ લે છે કોઈ જુદો વેશ.
એક જ ઊન છે
સ્વેટરને ફરી ઉકેલી ફરી ગૂંથું છું નવી ડિઝાઇનમાં
ક્યારેક દેખાઈ આવે છે તેમાંથી જૂની ડિઝાઇન
નવા રંગમાં રંગીને એ જ ઊનનું ગૂંથું છું
નવું સ્વેટર
માટી એ જ, ચાક જુદા જન્મોના
ઘાટ જુદા
ઘડનાર તો એક જ.
ગપસપ કરું છું ઘડનાર સાથે થોડી વાર
મને શિખવાડવા તૈયાર થયો છે ચાક ફેરવતાં
મારા હાથ વચ્ચે મારી જ માટી આપી
હળવે હાથે મારા બંને હાથોને તેના હાથ વડે
માર્ગદર્શન આપતો શિખવાડે છે મને.
હવે જન્મોની બહાર ઊભી છું હું
લપસણી પરથી લપસે છે યાદ
ચાક ફરતો જાય છે
ઘાટ ઘડાતો જાય છે
માટી એ જ
ઘડનાર હવે ફરી પાછો એક જ.
નવનીત સમર્પણ, જૂન ૨૦૧૪