અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંસ્કૃતિરાણી દેસાઈ/મારી ભીતર
Revision as of 07:51, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારી ભીતર| સંસ્કૃતિરાણી દેસાઈ}} <poem> હું મારી બહાર નીકળતી નથ...")
મારી ભીતર
સંસ્કૃતિરાણી દેસાઈ
હું મારી બહાર નીકળતી નથી.
પણ કોઈક વાર આવીને ઊભી રહું છું ઉંબરા પર
તો ઘણી વાર ચાલું છું મારી ભીતર
બધાં તો નીકળી પડે છે સવારે બહાર જવા
સગાંસંબંધીઓ, મિત્રો કે સહકાર્યકર્તાઓ પાસે
ખૂબ પ્રવૃત્તિ, ચહલપહલ, કોલાહલ
થઈ જાય છે ટ્રાફિક જામ
જાણે ચર્ચગેટ સ્ટેશનની બહાર સવારે ૯-૩૦ વાગ્યે.
મારી ભીતર ખોદવા માંડી છે એક ગુફા
ને બેસું છું તેમાં એક ચિત્તે
પહોંચીશ તારા સુધી
આ જન્મને અંતે
કે પછી જન્મજન્માંતરો પછી
તને ખબર છે ક્યારે?
માટે –
હું સતત ચાલું છું, મારી ભીતર...
ને ઊંડી ને ઊંડી થતી જાય છે ગુફા
ચિત્ત નિર્વિચાર
તું આવશે મારી પાસે?
કે હું પહોંચું તારા સુધી?
ગતિ તો ચાલુ જ છે મારી...
કવિલોક, જુલાઈ-ઑગસ્ટ, ૧૦