અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /ઘર અશ્રુનું
Revision as of 09:04, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘર અશ્રુનું |નિર્મિશ ઠાકર}} <poem> ‘જાઉં છું મારે ઘરે’ કહી પાલ...")
ઘર અશ્રુનું
નિર્મિશ ઠાકર
‘જાઉં છું મારે ઘરે’ કહી
પાલવથી આંખ લૂછતાં
નારી જાય છે
ક્યારેક સાસરે
તો ક્યારેક પિયર.
‘આ મારું ઘર’ના ભ્રમ સાથે
એ થાક ખાતી હોય છે
ક્યારેક ‘અખંડ સૌભાગ્યવતી’ના
તો ક્યારેક ‘ગંગાસ્વરૂપ’ના છાપરા હેઠે.
સ્કૂટર, ફ્રીઝ, ટીવીની જાહેરખબરોવાળા
છાપાના પાનામાં ‘લગ્નવિષયક’ના મથાળા હેઠે
લખાય છેઃ
...જોઈએ છે કન્યા — સુંદર, સુશીલ, ભણેલી, ઘરરખ્ખુ.
ઘરની શોધ લઈ જાય છે નારીને
અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, અહીંથી...
રામરાજ્યમાંયે ઘર ન પામનાર સીતાને
સમાઈ જવું પડે છે ધરતીમાં.
અશ્રુને વળી, ઘર કેવું?
પરબ, ડિસે. ૨૪